Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

વડતાલ ધામ જેવા યાત્રાધામોને વિકસાવાશે : ગુજરાતનો એક પણ ગરીબ મકાન વિહોણો ન રહે, દરેકને ઓટલો, રોટલો અને આરોગ્ય સેવા મળે તે હેતુ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદ,તા.૧૨ :  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતની પ્રગતિ અને વિકાસના મૂળમાં સંતોનો પરિશ્રમ છે. વડતાલધામ સહિતના રાજયના પવિત્ર યાત્રાધામોને વિકસાવીને રાજય સરકાર આધ્યાત્મિક ચેતનાને પ્રબળ બનાવશે. તેમણે જણાવ્યું કે રાજયની પ્રજાએ જે પાકટતા દાખવીને વધુ પાંચ વર્ષ માટે અમને રાજયના શાસનની જવાબદારી સોંપી છે તેનું પૂરેપૂરૃં વળતર અમે આપીશું. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માલપુર ગામે સ્વામિનારાયણ ભગવાનના સમૈયામાં જોડાઇને ભકિતરસ સરિતાના આચમનનો લ્હાવો લીધો હતો. તેમણે ભાવપૂર્વક ભગવાન સ્વામિનારાયણની વંદના કરી હતી તથા આદરપૂર્વક સંતપૂજન કરવાની સાથે ભાવિક ભકતોનું અભિવાદન કર્યું હતું. વડતાલ તાબાની લક્ષ્મીનારાયણ દેવ સંસ્થા સંચાલિત માલપુર સ્વામિનારાયણ મંદિર આયોજિત શ્રીમદ્ સત્યસંગી જીવનપારાયણના ભાગરૂપે આ સમૈયો યોજવામાં આવ્યો હતો. જેમાં દેવોની સાથે ભારતમાતાની પણ વંદના કરવામાં આવી હતી. ભાવિકોએ હજારો ધર્મધજાઓ લહેરાવીને મુખ્યમંત્રીને ઉમળકાપૂર્વક આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ ધર્મસંસ્થા દ્વારા વ્યસનમુકત, શાકાહારી અને સંસ્કારી  યુવાપેઢીના ઘડતર માટેની જહેમતને બિરદાવી આવી હતી. તેમણે જણાવ્યું કે આ સેવાથી ભાવિપેઢીનું ભવિષ્ય  ઉજળું બનશે. કુસંસ્કારો અને વ્યસનો માણસને અને સમાજને ખોખલો બનાવે છે અને પતનના માર્ગે લઇ જાય છે. એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ જીવન પરિવર્તન દ્વારા વ્યસનમુકત ધર્મમય સદાચારી સમાજ રચનાનો માર્ગ બતાવ્યો આવો સમાજ જ શકિતશાળી બને છે. સંતોના પરિશ્રમથી જ ગુજરાત વિકસ્યું છે અને સંતોએ ગુજરાતની પ્રતિષ્ઠા વધારી છે. ભગવાન સ્વામિનારાયણે ગુજરાત પ્રત્યે હંમેશા વત્સલતા બતાવી અને એના લીધે જ ગુજરાત ધર્મમય બન્યું છે. સંતોના આશિષ મહત્તમ જનસેવાની શકિત આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. ગુજરાતનો એકપણ ગરીબ મકાન વિહોણો ન રહે, સહુને ઓટલો અને રોટલો મળે એ અમારો સંકલ્પ છે. એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમારી રાજય સરકાર ગરીબો, પીડિતો અને શોષિતોના કલ્યાણને વરેલી છે.

ગરીબોના આર્થિક શસક્તિકરણ, એમના સંતાનો માટે ઉચ્ચ શિક્ષણ, એમના આરોગ્યની રક્ષા, એમના જીવનધોરણની સુધારણા, આ તમામ લક્ષ્યોની અગ્રિમતા આપીને રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.  ગરીબ કલ્યાણ મેળા જેવા આયોજનો દ્વારા છેવાડાના માનવીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડવામાં આવી રહયાં છે. ગામડામાં શહેર જેવી સુવિધાઓ આપવી અને શહેરોની સુધારણા કરવી એ અમારી નેમ છે એમ પણ તેમણે કહ્યું હતું.

(9:51 pm IST)