Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે

૨૯મી જાન્યુઆરીથી જયોતયાત્રા શરૂ કરાશે : સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે અખંડ જ્યોતને જ્યોતના સ્વરુપે પધરાવામાં આવશે, ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

અમદાવાદ,તા.૧૨ :  માઉન્ટ આબુ ખાતે આવેલા સુપ્રસિધ્ધ અધર દેવી એટલે કે, અર્બુદા માતાની અખંડ જયોતને જયોત સ્વરૂપે હવે ગુજરાતમાં મહેમદાવાદ ખાતેના સુપ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે પધરાવવામાં આવશે અને મા અર્બુદાની સુંદર મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ માટે તા.૨૯મી જાન્યુઆરીથી માઉન્ટ આબુ ખાતેથી અર્બુદા માતાની જયોત યાત્રાનો પ્રાંરભ થશે. જે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ પરિભ્રમણ કરતી તા.૮મી ફેબ્રુઆરીએ મહેમદાવાદ ખાતે શ્રી સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે આવશે અને ત્યાં તે વિધિવત્ રીતે પધરાવી અહીં પ્રજ્વલિત રખાશે. એ પછી તા.૯, ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી રોજ ત્રણ દિવસનો અર્બુદા માતાજીની ભવ્ય મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. મા અર્બુદાના આ ભવ્ય મહોત્સવમાં રાજયભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે એમ અત્રે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) અને અર્બુદા ટેમ્પલ કમીટીના ચેરમેન નરેન્દ્રભાઇ પુરોહિત અને રોહિતભાઇ પુરોહિતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) દ્વારા આવતીકાલે ૧૩ મી ડિસેમ્બરના રોજ મંદિર પરિસરમાં શ્રી સમસ્ત ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના કુળદેવી શ્રી અર્બુદા માતાજીના ભવ્ય મંદિરના શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી સમસ્ત ગોમતીવાળ બ્રાહ્મણ પરિવારો તથા આસપાસના વિસ્તારના ભક્તજનો ઉપસ્થિત રહીને કુળદેવીની કૃપા પ્રાપ્ત કરશે. સમસ્ત ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના કુળદેવી અર્બુદા માતાજી મહેમદાવાદ ખાતેના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે બિરાજમાન થશે. આજે આપણા સમસ્ત ગોમતીવાળ સમાજ દ્વારા સંકલ્પ કરીને મા અર્બુદાને જ્યોત સ્વરૂપે આબુથી -સિદ્ધિવિનાયક દેવસ્થાન મહેમદાવાદ મુકામે પધરાવી સુંદર મૂર્તિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું ભગીરથ કાર્ય સિધ્ધ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટે શ્રી સમસ્ત ગોમતીવાળ બ્રહ્મ સમાજ સિવાય ત્રણગામ, સાત ગામ, મુંબઈ સમાજ, સંતરામપુર ગોળ તમામે તમામ જ્ઞાતિજનોએ આ કાર્યને ભકિતભાવ સાથે પાર પાડવા પૂરો સહયોગ સાથે આગળ આવ્યા છે. આવતીકાલે મંદિરના મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ બાદ તા.૨૯મી જાન્યુઆરીના રોજ માઉન્ટ આબુમાં સમાજના કુળદેવી શ્રી અર્બુદા માતાના તીર્થક્ષેત્ર અને પીઠ સ્થાન ખાતેથી જ્યોત સ્વરૂપે માતાજીની જ્યોત યાત્રા રથમાં નીકળશે. જે ગુજરાતના વિવિધ ૨૨ ગામોમાં ફરશે અને તા.૮ મી ફેબ્રુઆરીના રોજ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન,મહેમદાવાદ ખાતે જ્યોત બિરાજમાન કરીને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) અને અર્બુદા ટેમ્પલ કમીટીના ચેરમેન નરેન્દ્રભાઇ પુરોહિત અને રોહિતભાઇ પુરોહિતે ઉમેર્યું કે, માઉન્ટ આબુ ખાતેના અધર દેવી એટલે કે, અર્બુદા માતાના અસલ મંદિરના દર્શન માટે ૩૩૩ પગથિયા ચઢીને જવું પડે છે, જે વૃધ્ધજનો, અશકત અને બિમાર સહિતના લોકો માટે ઘણું કપરૂ બનતું હતુ, તેથી માતાજીની અસલ જયોતને હવે ગુજરાતમાં લાવી મહેમદાવાદ સ્થિત શ્રી સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે અર્બુદા ધામ ખાતે પધરાવવામાં આવશે. અર્બુદા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય મંદિર નિર્માણ પણ ગુજરાતની જનતાને માં અર્બુદા આપણી ધરતી પર દર્શન આપશે.

(9:58 pm IST)