Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વિજળી ચોરીના ૪ વર્ષ જૂના કેસમાં અમદાવાદના ૧૦૦ વર્ષના વૃદ્ધાને જેલમાં જવુ પડ્યુઃ જો કે પ દિવસ બાદ જામીનમુક્ત

અમદાવાદ: વીજળીની ચોરીના એક ચાર વર્ષ જૂના કેસમાં અમદાવાદમાં રહેતા 100 વર્ષના વૃદ્ધાને જેલમાં જવાનો વારો આવ્યો છે. વસીમાબીબી નિઝામુદ્દીન અન્સારી સામે 2014માં GEB પોલીસ સ્ટેશનમાં વીજચોરીનો કેસ નોંધાયો હતો. જોકે, કોર્ટમાં કેસની સુનાવણીમાં તેઓ હાજર રહેતા તેમની સામે કોર્ટે વોરન્ટ કાઢ્યું હતું.

કોર્ટના આદેશ પર પોલીસે વસીમાબીબીની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યાં હતાં, જ્યાં કોર્ટે તેમને જેલના હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, આરોપીએ જામીન માટે અરજી કરી હતી જેના પર કોર્ટે તેઓ પાંચ દિવસ જેલમાં રહ્યાં ત્યારબાદ સુનાવણી કરતા તેમને જામીન આપ્યા હતા.

પોતાની જામીન અરજીમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેઓ ઉંમરલાયક છે અને જાતે હરી-ફરી પણ નથી શકતાં. તેમને રોજિંદી ક્રિયાઓ માટે પણ કોઈની મદદ લેવી પડે છે, તેના કારણે તેઓ કોર્ટમાં હાજર નહોતાં રહી શકતાં. કોર્ટે આરોપીને જામીન આપ્યાં હતાં, પરંતુ સાથે પોતાના ચુકાદામાં પણ નોંધ્યું હતું કે આરોપીએ કોર્ટમાં ગેરહાજર રહેવાના જે કારણો આપ્યા છે તે સ્વીકાર્ય નથી.

સરકારી વકીલે પણ આરોપીની જામીન અરજીનો વિરોધ નહોતો કર્યો, પરંતુ કોર્ટે સખ્ત શરતોના આધારે આરોપીને જામીન આપવા જોઈએ તેવી દલીલ કરી હતી.

(6:09 pm IST)