Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સુરતમાં કારખાનેદારના ઘરે ભેટના બદલે 4 બોક્‍સ ભરીને કુરિયરમાં દારૂ આવ્‍યોઃ ભુલથી આવ્‍યુ છે કે કોઇએ દુશ્‍મનાવટથી આ હરકત કરી તે દિશામાં તપાસ

દિલ્‍હીથી આવેલ પાર્સથી 1.35 લાખનો દારૂ મળ્‍યો

સુરત: સુરતમાં એક કારખાનેદારને ત્યા અજીબોગરીબ ઘટના બની હતી. કારખાનેદારના ઘરમાં આવેલું કુરિયર જોતા જ પરિવાર ચોંકી ઉઠ્યું હતું. કારણ કે, આ કુરિયરમાં કોઈ ભેટને બદલે દારૂનો જથ્થો હતો. ત્યારે આ પાર્સલ ભૂલથી અહી પહોંચ્યુ કે પછી કોઈ વ્યક્તિએ દુશ્મનાવટમાં આવી હરકત કરી તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં દારૂ અને ડ્રગ્સનું ઘૂષણ એવુ ઘૂસી ગયુ છે કે, દરેક ગલીએ આ વસ્તુઓ સરળતાથી મળી રહે છે. ત્યારે સુરતના એક કારખાનેદારના ઘરે માંગ્યા વગર દારૂની 96 બોટલ પહોંચી ગઈ હતી. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા અશોક દીપચંદ્ર ઝવરે સિલાઈનું ખાતુ ચલાવે છે. તેમના ઘરે 12 નવેમ્બરના રોજ એક કુરિયર આવ્યુ હતું. કુરિયર કર્મચારી 12 નવેમ્બરે 4 મોટા પાર્સલ આપી ગયો હતો. તેમના પત્નીએ આ પાર્સલ ખૂલ્યુ હતું. તેઓ પાર્સલ ખોલતા ચોંકી ગયા હતા, કારણ કે તેમાંથી દારૂની વિદેશી બોટલ મળી આવી હતી.

તેમણે પાર્સલ તપાસતા જાણ્યું કે, દિલ્હીની માર્ક્સ એક્સપ્રેસ કુરિયરમાંથી પાર્સલ આવ્યું હતું. કુરિયર પર કારખાનેદારનું નામ અને આધારકાર્ડની કોપી ચોંટાડી હતી. 9 નવેમ્બરે દિલ્હીથી આ કુરિયર નીકળ્યુ હતું. જેથી અશોકભાઈએ તરત પોલીસને જાણ કરી હતી.

 પાર્લમાં અંદાજે રૂપિયા 1.35 લાખની કિંમતનો દારૂ નીકળ્યો હતો. કુરિયરબોયએ કોલ કર્યા વિના એડ્રેસ પર પાર્સલ મોકલી દેતાં દારૂનું રેકેટ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મોટાપાયે હવે કુરિયરની મદદથી દારૂની ડિલીવરી કરાઈ રહી છે. ત્યારે આટલો મોટો જથ્થો કોણે મોકલ્યો તે પોલીસ માટે પણ તપાસનો વિષય છે.

(4:32 pm IST)