Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

વડોદરાની વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં વળાંકઃ યુવતિની ડાયરીએ રહસ્‍યો ખોલ્‍યાઃ સામુહિક દુષ્‍કર્મ આચર્યાનો ઉલ્લેખ કરતા ખળભળાટઃ સંસ્‍થાની ભુમિકા શંકાસ્‍પદ

નવસારીની યુવતિના મોત પ્રકરણમાં 2 રિક્ષાચાલકે અપહરણ કર્યાનું ખુલ્‍યુ

વડોદરા: નવસારીની વતની અને વડોદરામાં રહીને અભ્યાસ કરતી સાથે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટમાં થયેલા બળાત્કાર બાદ યુવતીએ આપઘાત કરી લેતા આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી મુકી છે. યુવતીની ડાયરીએ તેની સાથે ઘટેલી ઘટનાના તમામ રહસ્યો ખોલી દીધા છે. પોલીસને યુવતીના ઘરેથી તપાસમાં મળી આવેલી ડાયરીમાં તેની સાથે સામુહિક દુષ્કર્મ થયાનો ઉલ્લેખ કરાયો છે. યુવતીએ 22 વર્ષના 2 યુવાનોએ પીછો કર્યો હોવાનો અને 2 રિક્ષાચાલકોએ તેની પર સામુહિક દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ સમગ્ર મામલામાં યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.

બે રીક્ષાચાલકોએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ

યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે હવે ગૌત્રી પોલીસ પણ આ તપાસમાં જોડાઈ છે. રેલવેના ડી.વાય.એસ.પી બી એસ જાદવે માહિતી આપતા કહ્યું કે, યુવતી પાસેથી પોલીસને ડાયરી મળી છે. ડાયરીમાં યુવતીએ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રીક્ષા ચાલકોએ સૌ પ્રથમ યુવતીની સાયકલને અડફેટે લીધી હતી. બાદમાં રીક્ષામાં બેસાડી યુવતીને ઝાડીમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ કર્યું હતું.

યુવતીએ મિત્ર પાસેથી મદદ માંગી, પણ તેણે મેસેજ ન જોયો

મૃતક યુવતી મૂળ નવસારીની હતી અને વડોદરામાં અભ્યાસ અને નોકરી કરતી હતી. તે પોતે એવી સંસ્થામાં કામ કરતી હતી જે આત્મહત્યાને રોકવા માટે પ્રેરણા આપી છે. ધનતેરસના દિવસે યુવતી OASIS સંસ્થામાં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થામાં કામ કરતા મિત્રને વોટ્સએપ પર મેસેજ કરીને મદદ માંગી હતી. પરંતુ મિત્રએ મોડો મેસેજ જોયો હતો. યુવતીએ મિત્રને વોટ્સએપ પર પ્લીઝ હેલ્પ મી, બે શખ્સો મારો પીછો કરે છે તેવો મેસેજ કર્યો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયાં કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત રહસ્ય રહી. પરંતુ તેની મિત્રએ આ મેસેજ અંગે સંસ્થાના મેન્ટરને જાણ કરી હતી. પરંતુ આટલી મોટી ઘટના છતા સંસ્થાએ પોલીસને આ બાબતની કોઈ જાણ કરી ન હતી.

સંસ્થાના સંચાલકે કેમ પોલીસને જાણ ન કરી

આ વિશે ડીવાયએસપીએ જણાવ્યું કે, સંસ્થાએ પોલીસને જાણ કરવી જોઈતી હતી. સમગ્ર કેસમાં પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. સમગ્ર મામલે હાલમાં યુવતીના મેડિકલ રિપોર્ટની રાહ પોલીસ જોઈ રહી છે. તેમજ પોલીસ દ્વારા યુવતીને મોડી રાત્રે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ પાસેથી તેના ઘરે મુકવા જનાર ખાનગી બસના ચાલકને શોધવા તપાસ આરંભી છે. સાથે જ સંસ્થાના સંચાલકોની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

દિવાળીના દિવસે યુવતીએ કરી હતી આત્મહત્યા

19 વર્ષીય યુવતી વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને સાથે એક સામાજિક સંસ્થામાં ફરજ બજાવતી હતી. દિવાળીના દિવસે તેણે તેની માતાને જણાવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે જવાનું છે અને એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું. આ બાદ બીજા દિવસે માનસીનો મૃતદેહ ગુજરાત ક્વીન ટ્રેનના ડી - 12 નંબરના કોચમાં મળી આવ્યો હતો. ટ્રેનમાં સામાન મૂકવાની જગ્યાએ યુવતીએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાત ક્વીન ગાડી મોડી રાત્રે 12.30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી. ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે સફાઈ કામદારો ચઢ્યા હતા. તેમની નજર ગળે ફાંસો ખાધેલી યુવતી પર પડી હતી. સફાઈ કામદારો દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આમ, જે સંસ્થામા ફેલોશીપ કરીને યુવતી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપી હતી, તેણે જ દુષ્કર્મની ઘટના બાદ આપઘાત કર્યો હતો.

(4:31 pm IST)