Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલ ફીમાં 25 ટકા રાહત માટેની સ્પષ્ટ જાહેરાત કરવા કોંગ્રેસની માંગણી

રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી મીડીયા સમક્ષ 25 ટકા શાળા ફીમાં રાહત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે, કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. 14 મહિના કરતા વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓનું કાર્ય સંપૂર્ણપણે બંધ હતું. શાળા સંકુલોમાં ધો. 1 થી 5ના વર્ગોનો આજે પણ હજુ શરૂ થયા નથી.

શૈક્ષણિક સંકુલો / શાળાના સંચાલકોને વીજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ,  લેબોરેટરી ખર્ચ સહિતના કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ થયા નથી. સાથોસાથ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર હજી યથાવત થયું નથી ત્યારે, સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓ પાસેથી સમગ્ર વર્ષની ફી વસૂલવાનો નિર્ણય કેટલે અંશે વ્યાજબી ?

ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં ડો. દોશીએ જણાવ્યું છે કે, રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી વારંવાર માધ્યમો સમક્ષ 25 ટકા શાળા ફીમાં રાહત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે પણ, આજદિન સુધી સરકાર તરફથી આ અંગે પરિપત્ર જાહેર થયો નથી અને પરિણામે શાળા સંચાલકો પૂરેપુરી ફી વસૂલવા માટે વાલીઓ પર દબાણ કરી રહ્યા છે.

રાજ્ય સરકાર તરફથી 25 ટકા ફીમાં રાહત અંગે પરિપત્રના અભાવે વાલીઓ અને સંચાલકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે, શૈક્ષણિક વાતાવરણ પર અસર થઈ રહી છે અને ખાસ કરીને જે તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે. ફીમાં 25 ટકા રાહત તો એક બાજુ પણ મોટા ભાગની શાળાઓએ એડહોક ફી ના નામે વર્ષ 2021-22માં ઉંચી ફી વાલીઓ પાસે ઉઘરાવવાનું શરૂ કર્યું છે. હજુ સુધી ફી નિયમન સમિતિએ ફીના નવા ધોરણો જાહેર કર્યા નથી તે પણ ચિંતાનો વિષય છે.

ડો. મનીષ દોશીએ વધુમાં ઉમેર્યું છે કે, મંદી – મોંઘવારી – મહામારીમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા આપણા ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને રાહત મળે, 25 ટકાની મૌખિક જાહેરાત હકીકત લક્ષી પરિપત્ર – સરકારી આદેશ પ્રસિદ્ધ થાય તે માટે તાત્કાલિક પગલા ભરવા માંગણી કરી છે.

(9:57 pm IST)