Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

હોમ આઇસોલેશનના નિયમો તોડનારને દર્દીઓને ફરજિયાત પણે સંસ્થાકીય આઇસોલેશનમાં મુકાશે

અન્ય લોકોને ચેપ લાગવાની ભીતિ હોવાથી અમદાવાદ મનપાનો મોટો નિર્ણંય : એપિડેમિક એક્ટના ભંગ બદલ જરૂરી પગલાં પણ લેવાશે: રાજ્યમાં હાલમાં ચાર લાખથી વધુ લોકો હોમ આઇસોલેશનમાં છે.

અમદાવાદ : કોરોનાના ચેપના લીધે હોમ આઇસોલેશનમાં રહેલા કેટલાક દર્દીઓ હોમ આઇસોલેશનના નિયમો તોડીને ઘરની બહાર જાય છે. આના લીધે તેઓ અન્ય લોકોના સંપર્કમાં આવતા તેઓને ચેપ લાગવાનો ભય રહે છે.ચાલના મહામારીના સંજોગોમાં તેઓની આ વર્તણૂક જરા પણ ચલાવી શકાય તેમ નથી. તેથી આ રીતે ઘરની બહાર નીકળતા દર્દીઓને ફરજિયાત પણે સંસ્થાકીય આઇસોલેશનમાં મૂકવામાં આવશે તથા તેઓની સામે એપિડેમિક એક્ટના ભંગ બદલ જરૂરી પગલાં પણ લેવાશે. સમગ્ર રાજ્યમાં હાલમાં ચાર લાખથી વધુ લોકો હોમ આઇસોલેશનમાં છે.

આ પ્રકારના સંજોગોમાં ઇમેજિંગ સેન્ટર ખાતે એસિમ્પટોમેટિક કોવિડ-19 પોઝિટિવ દર્દી આવે તો એચ.આર.સી.ટી. સ્કેન ન કરવા તેમજ સેન્ટરમાં આવતા શંકાસ્પદ કોવિડ-19ના દર્દીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનની કામગીરીનો અચૂક અમલ થાય તે પ્રકારે કામગીરી કરવાની રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં આવેલા તમામ અર્બન હેલ્થ સેન્ટરો તથા કિઓસ્ક ખાતે કોવિડ-19ના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ પોઝિટિવ હોય તો જ દર્દીને કોવિડ-19નો ચેપ છે અને તેણે બીજી વખત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ કે આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવવાની જરૂર રહેતી નથી. જો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હોય અને વ્યક્તિને કોરોનાને લગતા કોઈ લક્ષણો હોય તો જ આર.ટી.પી.સી.આર. પદ્ધતિથી કોવિડ-19નો ટેસ્ટ કરાવવાનો હોય છે. આ ટેસ્ટ પોઝિટિવ હોય તો તે કોવિડ-19થી ચેપગ્રસ્ત છે તેમ નિદાન કરાય છે.

કોવિડ-19ના લક્ષણ ધરાવતા હોય જેવા કે તાવ, ખાંસી, કફ, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે હોય અને રેપિડ એન્ટિજન ટેસ્ટ તથા આર.ટી.પી.સી.આર ટેસ્ટ નેગેટિવ આવેલ હોય તો તેવા દર્દીઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એચ.આર.સી.ટી. સ્કેન પણ કરવામાં આવે છે.

(10:32 pm IST)