Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સિરિયલ બ્લાસ્ટ : આરોપીઓએ ચાર્જશીટમાંથી ડમ્બલ્સ બનાવ્યા

કેસના દસ્તાવેજો ગુમ થવા અંગે જેલરની કોર્ટમાં સ્પષ્ટતા : અમદાવાદમાં ૨૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાલ કુલ ૭૮ આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે

અમદાવાદ,તા.૧૩ : સાબરમતી જેલના સિનિયર જેલર દીનુ પ્રજાપતિએ અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટ સમક્ષ જણાવ્યું છે કે, આ કેસના આરોપીઓએ તેમને જે હજારો પાનાની ચાર્જશીટ અપાઈ હતી તેનો ડમ્બલ્સ તરીકે બોડી બિલ્ડિંગ માટે ઉપયોગ કર્યો હતો. કેસને લગતા કેટલાક દસ્તાવેજો ગુમ થવાના મામલે સાબરમતી સેન્ટ્રલ જેલના સિનિયર જેલર કોર્ટમાં હાજર રહ્યા હતા. સરકારી વકીલ દ્વારા તેમની ઉલટતપાસ દરમિયાન આ સવાલ પૂછાયો હતો. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીઓએ ચાર્જશીટના બંડલમાંથી ડમ્બલ્સ બનાવ્યા હતા, જે જેલતંત્ર દ્વારા જપ્ત કરાયા હતા. જોકે, આ મામલે બચાવ પક્ષના વકીલે આ પ્રશ્નને કેસ સાથે કોઈ લેવા-દેવા નથી તેમ જણાવીને તેનો વિરોધ કર્યો હતો. તેમણે એવી પણ દલીલ કરી હતી કે સરકારી વકીલ આરોપીઓની છબી ખરાબ કરવાના ઉદ્દેશ સાથે આ સવાલ પૂછી રહ્યા છે.

             સ્પેશિયલ જજ એઆર પટેલે બચાવ પક્ષના વકીલ દ્વારા કરાયેલી દલીલની નોંધ લીધી હતી. સૂત્રોનું માનીએ તો, સિરિયલ બ્લાસ્ટ કેસના દરેક આરોપી સામે થયેલી ઢગલાબંધ એફઆઈઆરની હજારો પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં અમદાવાદમાં ૨૦ એફઆઈઆર નોંધાઈ છે. જ્યારે સુરતમાં પણ કુલ ૧૫ એફઆઈઆર નોંધવામાં આવી છે. દરેક આરોપી સામે ૩૫ કેસ નોંધાયેલા છે, અને તેમને દરેક કેસની હજારો પાનાની ચાર્જશીટની કોપી આપવામાં આવી છે. સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓમાંના કેટલાકે ૨૦૧૩માં સુરંગ ખોદીને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. ૨૪ આરોપીઓને આ કેસમાં પણ આરોપી બનાવાયા છે. જેના કારણે તેમના પર વિવિધ નિયંત્રણો મૂકાયા છે. જેમાં અભ્યાસ માટે પુસ્તક મેળવવા કોર્ટની મંજૂરી લેવાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ જેલની લાઈબ્રેરીમાંથી એન્જિનિયરિંગના પુસ્તકોમાંથી ટનલ કઈ રીતે ખોદવી તે શીખ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. કુલ ૭૮ આરોપીઓ સામે સિરિયલ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે. જુલાઈ ૨૦૦૮માં થયેલા બ્લાસ્ટમાં ૫૬ લોકોના મોત થયા હતા, અને ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટની જવાબદારી ઈન્ડિયન મુઝાહિદ્દીને લીધી હતી, જેના પર ૨૦૧૦માં પ્રતિબંધ મૂકાયો હતો.

(8:15 pm IST)