Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદમાં કોરોના ટેસ્‍ટનો લોકો દુરૂપયોગ કરતા હોવાથી હવે તાપમાન માપ્‍યા બાદ જ ટેસ્‍ટ કરાશેઃ કોર્પોરેશનની જાહેરાત

અમદાવાદ: અમદાવાદમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે. આ સાથે જ આરોગ્ય વિભાગ અને તબીબો એક્ટિવ થઈ ગયા છે. તો તબીબોની દિવાળીની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસ વધતા હોસ્પિટલમાં બેડ હાઉસફુલ બની રહ્યા છે. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટ મામલે મોટા સમાચાર આવ્યા છે. કોરોના ટેસ્ટ કરવા મામલે AMC એ પોલિસીમાં બદલાવ કર્યો છે. હવે વ્યક્તિનું તાપમાન માપ્યા બાદ જ ટેસ્ટ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

  • લોકો ટેસ્ટનો દુરુપયોગ કરે છે

એએમસીએ ટેસ્ટમાં બદલાવ જે બદલાવ કર્યા છે તે મુજબ, 38 ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાન હશે તો જ ટેસ્ટ કરવામાં આવશે. કેટલાક લોકો ટેસ્ટીંગનો દુરુપયોગ કરતા હોવાનું એએમસી તંત્રના ધ્યાને આવ્યું છે. તો કેટલાક લોકો એક સ્થળે ટેસ્ટ કરાવી અન્ય સ્થળે પણ ટેસ્ટ કરાવતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. તંત્રનો સમય અને મશીનરીનો બગાડ અટકાવવા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેથી હવેથી અમદાવાદમાં ટેમ્પરેચર ઉપરાંત અન્ય લક્ષણો જણાશે તો જ આગળના ટેસ્ટ કરવામાં આવશે.

  • લોકો ખરીદી કરવા ઉમટ્યા

તો બીજી તરફ, અમદાવાદના લાલ દરવાજા ભદ્ર વિસ્તારમાં દિવાળી પહેલા ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ શહેરીજનોમાં ભૂલાયા છે. ભીડભાળવાળા વિસ્તારમાં લોકો બિન્દાસપણે ફરી રહ્યા છે, ખરીદી કરી રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો પાથરણા નાંખી વેપાર કરી રહ્યા છે, તો હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા છે. આવામાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધવાની ભીતિ દેખાઈ રહી છે.

(4:44 pm IST)