Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો ભંગ-માસ્‍કના નિયમો નેવે મુકાયાઃ અમદાવાદના બાપુનગર વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલને કોરોના પોઝીટીવ

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા દર વર્ષે યોજાતો સ્નેહમિલનનો કાર્યક્રમ આ વખતે કોરોનાના લીધે રદ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી કોરોના અટક્યો નથી. લોકોની બજારમાં ભીડ વધી રહી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રહ્યું નથી, માસ્કના નિયમો નેવે મૂકાયા છે. તેના પગલે રાજ્યના વધુ એક વિધાનસભ્ય કોરોનાની પક્કડમાં આવ્યા છે.

અમદાવાદના બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય હિંમત સિંહ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. હિંમતસિંહ પટેલે ટ્વીટ કરીને કોરોના સંક્રમિત થયાની માહિતી આપી હતી. આ પહેલા ગુજરાત કોંગ્રેસના અમદાવાદના વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલા અને વિસાવદરના વિધાનસભ્ય હર્ષદ રિબાડિયા પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં કોરોનાગ્રસ્ત થનારા સૌપ્રથમ વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલા હતા. ઇમરાન ખેડાવાલાએ ભાજપના વિધાનસભ્ય કોરોનાગ્રસ્ત થયા અને ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર લીધી તેના પર ચુટકી લેતા કહ્યું હતું કે તેમણે કેમ સરકારી હોસ્પિટલમાં સારવાર ન લીધી, શું તેમને ભરોસો નથી.

આ સિવાય ગુજરાતમાં ભાજપ સરકારના અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા પણ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. તેઓ કોરોનાગ્રસ્ત થવાના પગલે હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. આ સિવાય ભાજપના અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને સુરતના મંજુરા વિસ્તારના વિધાનસભ્ય હર્ષ સંઘવી પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમણે પોતે જ તેની જાહેરાત કરી હતી. તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે.

(4:41 pm IST)