Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વ્યારામાં બે આશાસ્પદ મહિલા પોલીસકર્મીઓને ટેમ્પો ચાલકે કચડી નાખતા ચકચાર

સુરત, તા. ૧૩ :  વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે ગોઝારી ઘટના દ્યટી છે. મોપેડ પર સવાર બે મહિલા પોલીસને ટેમ્પોએ ટક્કર મારતા તેમના મોત નીપજયા છે.

આ દ્યટના અંગે જાણ થતાં કાકરાપાર પીએસઆઇ દ્યટનાસ્થળે પહોંચી ગયા હતા. ચીખલવાવ ગામે ગામીત ફળિયામાં રહેતી સ્મિતાબેન હરીશભાઇ ગામીત અને વ્યારા તાલુકાના સરકૂવા ગામે રહેતી રિતિકાબેન ભૂપેન્દ્રભાઈ ગામીત થોડા મહિના પહેલાં ગુજરાત પોલીસમાં ભરતી થયા હતા. તેમની પસંદગી સુરત શહેર માટે થઈ હતી. આ બંને પોલીસ કર્મીઓની તાપી જિલ્લામાં ઇ ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટમાં કામગીરી કરતાં હતાં.

સ્મિતા ગામીત અને રિતિકા ગામીત એકિટવા લઈને ઘરેથી નીકળી ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટ જવા નીકળ્યા હતા. તે દરમિયાન વ્યારા કાકરાપાર રોડ પર ચાપાવાડી ગામની સીમમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે ઊંચા માળાથી આવતી પિકઅપ વાનચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી મહિલા પોલીસકર્મીની એકિટવા સાથે અથડાવી અકસ્માત કર્યો હતો.

જે અકસ્માતમાં સ્મિતાબેન ગામીત ઉંમર (૨૭)ને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ડોકટરે મૃત જાહેર કર્યાં હતાં. પાછળ બેઠેલા રિતિકાબેનને ગંભીર ઇજા પહોંચતાં પ્રાથમિક સારવાર વ્યારા બાદ સુરત ખાતે લઈ જવાયાં હતાં ત્યાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે કાકરાપાર પોસ્ટને જાણ થતાં દ્યટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફરાર થયેલા પિકઅપચાલકની શોધખોળ હાથ ધરી હતી.

(2:49 pm IST)