Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજ્યના કાપડ ઉદ્યોગમાં જોરદાર રિકવરી : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 300 ટકા વધ્યું વેચાણ

ઓક્ટોબે સુધીના ત્રણ મહિનામાં 1.4 કરોડ મી.નો વેપાર થઇ ગયો.

અમદાવાદ : રાજ્યના કાપડ ઉદ્યોગમાં જોરદાર રિકવરી જોવા મળી છે નવરાત્રી પહેલાથી જ ખરીદીની શરૂઆત થઈ ગઈ અને ઓગસ્ટ આવતા સુધીમાં તો વેચાણમાં 300 ટકાની વૃદ્ધિ નોંધાઈ. જે ગત વર્ષના સમયગાળામાં એટલે કે ઓગસ્ટથી ઓક્ટોબર કરતા પણ 45 ટકા વધુ ઉછાળો આવ્યો છે.

 ગુજરાતના મુખ્ય કાપડ ઉત્પાદક શહેરોમાં અમદાવાદ, સુરત, મોરબી સહિત રાજ્યમાં રોજ અંદાજે 2.5 કરોડ મી. કાપડનો વેપાર થતો હતો, જે સમગ્ર લૉકડાઉન દરમિયાન 10 લાખ મી.નો રહી ગયો હતો. ત્યાર બાદ 15 જુલાઇથી 31 ઓગસ્ટ સુધીમાં આ આંકડો 25 લાખ મી. સુધી પહોંચી ગયો. પછી ઓક્ટો. સુધીના 3 મહિનામાં 1.4 કરોડ મી. થઇ ગયો. રાજ્યમાં ટેક્ષ્‍ટાઇલ ઉદ્યોગ દૈનિક 3.5 કરોડથી 3.75 કરોડ મી.નો છે, જે લગભગ અડધા સ્તરે આવી ગયો છે. સુરતથી જ રોજનો અંદાજે 200 ટ્રક માલ બીજા રાજ્યોમાં મોકલાઇ રહ્યો છે.

આંકડા જોતા લાગી રહ્યું છે કે, હવે કાપડ ઉદ્યોગ રિકવર થઈને ધમધમાટ દોડતો થયો છે. આગામી જાન્યુઆરી સુધી આમાં વૃદ્ધિ વધવાના એંધાણ છે. લગ્નસરાની સિઝન તથા શિયાળાની ઋતુ બદલાતા અને લોકો બહાર નીકળતા થયા છે તે જોતા કાપડની માંગમાં વધુ ઉછાળો આવશે. ઉત્પાદન અને ખરીદી વધતા હવે જુના પેમેન્ટ પણ ક્લિયર થતા જશે.

(12:10 pm IST)