Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પાલડી અંકુર સ્કૂલમાંથી કોલ સેન્ટર ઝડપાઇ જતા ચકચાર

મુખ્ય સૂત્રધાર વિરાજ દેસાઈ સહિત છ ઝડપાયા : સ્કૂલથી કોલ સેન્ટર ઝડપાતાં શિક્ષણ જગતમાં પ્રત્યાઘાત ૭ મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબ્જે

અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાંથી સાયબર ક્રાઇમની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્તાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્કૂલમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાતાં શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં મખ્ય સૂત્રધાર વિરાજ દેસાઇ સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. વધુમાં, પોલીસે આરોપીઓ પાસેથી સાત મોબાઇલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર વિરાજ દેસાઈ, મોનુ ઓઝા, રોહિતસિંઘ ભાટી, મંથન ખટીક, અજીતસિંહ ચૌહાણ, પ્રદિપ ચૌધરીનો સમાવેશ થાય છે. તેમાં પણ મંથન ખટીક સ્કૂલમાં પટાવાળા તરીકે અને રાત્રે કોલર તરીકે કામ કરતો હતો, તેથી પોલીસે તેની ભૂમિકા પણ મહત્વની હોઇ તેની આકરી પૂછપરછ શરૂ કરી છે.

                       આ આરોપીઓ રાત્રિના સમયે સ્કૂલના એક રૂમમાં જ અમેરિકન નાગરિકોને કોલ કરી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટિવના નામે લોન આપવાની લાલચ આપી તેમજ અવનવા બહાના હેઠળ રૂપિયા પડાવવામાં આવતા હતા. સાયબર ક્રાઈમને શહેર પાલડીમાં આવેલી અંકુર સ્કૂલમાં વિરાજ દેસાઈ નામનો શખ્સ કોલ સેન્ટર ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સાયબરની ટીમે સ્કૂલના મકાનમાં મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપીઓ પૈસા પડાવવા માટે કોલસેન્ટર ચલાવતા હોવાના કૌેભાંડનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ દ્વારા અમેરિકન નાગરિકોને ફોન કરી તેઓને લોન અપાવવા ઉપરાંત પ્રીમિયમ ભરાવવાની લાલચ આપવામાં આવતી હતી. તેઓની પાસેથી રૂપિયા બેંકના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા, છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરાયેલા આ કોલ સેન્ટર મારફતે સંખ્યાબંધ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ જારી રાખી છે.

(7:58 pm IST)