Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સુરતમાં BRTS કોરિડોર ક્રોસ કરતી વખતે સીટી બસ ચાલકે હડફેટે લેતા યુવકનું મોત

સુરત :સુરતમાં દિન-પ્રતિદિન સીટી બસ એમ જ બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં નિર્દોષ લોકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ને લઇ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના પર્વત પાટિયા સરદાર માર્કેટ પાસેથી એક યુવાન બીઆરટીએસ કોરિડોર ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી સિટી બસ ચાલકે આ યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. યુવાનનું મોત થતા જ સ્થાનિક લોકો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. લોકોએ સિટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. આ દરમિયાન સિટી બસમાં સવાર મુસાફરો તથા બસચાલકે પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યા હતા.

                ઘટનાની જાણ થતાની સાથે જ પુણા પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. પુણા પોલીસે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ પીએમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે બીજી તરફ, પોલીસે બસ ચાલક અને બસમાં તોડફોડ કરનાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સિટી બસ દ્વારા અકસ્માતોની સંખ્યા અવારનવાર સામે આવતી હોય છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકા આ અકસ્માત ઉપર કાબૂ મેળવી શકી નથી. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

                 અકસ્માતને નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, સહારા દરવાજા પાસેના સરદાર માર્કેટ પાસે GJ-05-BZ-4201 નંબરની બીઆરટીએસ બસ પૂરઝડપે આવી રહી હતી. જેણે પરવેઝ રઝાક રાઈન નામના યુવકને અડફેટે લીધો હતો. મૃતક 20 વર્ષનો યુવક બારડોલીનો રહેવાસી છે. તે છૂટક મજૂરીકામ કરીને પરિવારને મદદ કરતો હતો.

(5:05 pm IST)