Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બનાસકાંઠા જિલ્લાના થરાદની ચારડા માઇનોર કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણી ખેતરમાં કાપેલા ઘાસચારા ઉપર ફર વળતા ખેડૂતોને નુકશાન

સુઇગામ: થરાદની ચારડા માઇનોર કેનાલમાં ગઇકાલે મોડી રાત્રે ગાબડું પડ્યું છે. કેનાલોમાં સાફ-સફાઇ કર્યા વગર પાણી છોડાતા વારંવાર ગાબડા પડવાના બનાવો સામે આવી રહ્યા છે. કેનાલમાં ગાબડુ પડવાથી હજારો લીટર પાણી વેડફાતા ખેતરમાં કાપેલા ઘાસચારામાં પાણી ફરી વળ્યુ હતુ. જેને લઇ ખેડુતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદની ચારડા માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યુ છે. જોકે આ અગાઉ પણ સુઇગામ પંથકમાં કેનાલમાં ગાબડા પડ્યુ હતુ. ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે કે, કેનાલોમાં સાફ-સફાઇ કે રીપેરિંગ કામ કર્યા વગર તંત્ર દ્રારા પાણી છોડવામાં આવતા વારંવાર ગાબડા પડી રહ્યા છે. મહત્વનું છે કે, કેનાલમાં ગાબડુ પડવાથી ખેડુતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. કમોસમી વરસાદથી એક તરફ પાક નિષ્ફળ ગયો છે તો બીજી તરફ જે થોડોઘણો પાક હતો તેમા પણ કેનાલનું પાણી ફરી વળ્યુ છે.

(5:00 pm IST)