Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સિંગતેલમાં આગળ વધતો ઘટાડો : ડબ્બો ઘટીને રૂ૧,૮૦૦ની અંદર

રાજકોટ-ગોંડલમાં મળીને મગફળીની એક લાખ ગુણી ઉપરની આવકો

અમદાવાદ તા ૧૩ :  સિંગતેલમાં સિઝન નજીક આવી રહી છે તેમ ભાવમાં પણ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવી મગફળીની આવકોમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી સિંગતેલમાં આજે વધુ રૂ ૨૦ થી ૩૦નો ઘટાડો થઇને અમદાવાદ શહેરમાં ભાવ ઘટીને રૂ૧૮૦૦ની અંદર પહોંચી ગયા હતા. આગળ ઉપર બજારો હજી ઘટી શકે છે. ગુજરાતમાં આજે ગુરૂનાનક જયંતિ હોવાથી અનેક યાર્ડો બંધ હતા, પરંતુ મગફળીના મુખ્ય સેન્ટરો એવા રાજકોટ અને ગોંડલ ચાલુ હોવાથી ત્યાં જંગી આવકો થઇ હતી. વેપારી અંદાજ પ્રમાણે રાજકોટમાં ૫૦ હજાર ગુણી અને ગોંડલમાં ૫૫ હજાર ગુણીની આવક થઇ હતી. મગફળીની આવકો વધતા તેના ભાવ ઘટીને ૨૦ કિલોના રૂ ૮૦૦ થી ૧૦૦૦ની વચ્ચે કવોટ થઇ રહ્યાં છે. સરેરાશ મગફળીના ભાવ રૂા ૨૦ થી ૨૫ ઘટયાં હતા. ખાદ્યતેલના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, આયાતી પામતેલમાં તેજી છે, પરંતુ સિંગતેલમાં મગફળીની આવકો વધતા બજારો ઘટી રહ્યાં છે. સિંગતેલના ભાવ ઘટીને રૂા૧૭૦૦ થીરૂા૧૭૫૦/- સુધી પહોંચે તેવી સંભાવનાં છે. હાલનાં તબક્કે બજારમાં વેચવાલી વધારે હોવાથી બજારો ડાઉન છે.

અમદાવાદ શહેરમાં ૧૫ કિલો નવા ડબ્બા સિંગતેલનો ભાવ રૂ ૧૭૦૦થી ૧૮૦૦ કવોટ થાય છે. જે દિવાળી પહેલાં સરેરાશ રૂ૧૮૫૦ થી ૧૮૭૦ જેટલો પણ હતો. આમ દિવાળી બાદ સિંગતેલના ભાવમાનં સરેરાશ રૂ ૭૦ થી ૯૦ નો ઘટાડો થયો છે. મગફળીની આવકો વધી હોવાથી સિંગદાણાનાં ભાવમાં પણ ઘટાડો જોવામળી રહ્યો છે, જેને પગલે સિંગતેલની બજારમાં નરમાઇ જોવા મળી રહી છે. સરકાર દ્વારા ૧૫મી નવેમ્બરથી મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી થયા બાદ સરેરાશ બજારો સ્થિર થાય તેવી ધારણાં છે.

પામતેલ સહિતનાં આયાતી તેલમાં ભડકો

પામતેલનાં ટોચના ઉત્પાદક દેશ એવા મલેશિયામાં ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી મલેશિયાન પામતેલ વાયદલ વધીને બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. પામતેલ વાયદો છેલ્લા થોડા સમયમાં ૨૦ ટકા વધીને ૨૬૫૯ રિગિટની ઉપર પહોંચ્યો છે, જેને પગલે આયાતી તેલો મોંઘા બન્યાં છે. ઘરઆંગણે પામતેલનો ડબ્બો રૂા૧૧૨૦થી ૧૧૫૦ની સપાટીએ પહોંચ્યલ છે. સોયાતેલમાં પણ તેજી છે. આયાતી તેલો મોંઘા થતાં કપાસિયા તેલમાં બજારો હજુ ઉંચા છે. અમદાવાદમાં કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ રૂા૧૩૮૦ થી ૧૪૧૦ છે.

(11:54 am IST)