Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દિવ્યાંગોને જરૂરી લાભ પુરા પાડવા માટે સરકાર કટિબદ્ધ

દિવ્યાંગોની સેવાનો લાભ ભાગ્યે જ મળે છે : દિવ્યાંગોને વિવિધ વિકાસલક્ષી યોજનામાં તથા ભરતીમાં ચાર ટકાના ધોરણે અગ્રીમતા આપવા માટે જાહેરાત થઇ

અમદાવાદ,તા.૧૩ : સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું છે કે, સમાજનું અભિન્ન અંગ એવા દિવ્યાંગોની સેવા કરવાનો લાભ-લ્હાવો ભાગ્યેજ કોઇ વ્યક્તિને મળે છે ત્યારે આપણને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોની સેવા કરવાની તક મળી છે ત્યારે આપણે સૌ ખભે ખભા મિલાવી કામ કરીને દિવ્યાંગોને મદદરૂપ થઇએ. આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની રાજ્ય સલાહકાર બોર્ડની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મંત્રી ઇશ્વર પરમારે ઉમેર્યુ હતું કે, ડિસેબીલીટી એક્ટનો કાયદો વર્ષ ૨૦૧૬થી સંસદમાં પસાર કરાયો હતો, તેનું અમલીકરણ વર્ષ ૨૦૧૭થી શરૂ થઇ ગયુ છે ત્યારે આ કાયદા હેઠળ મળતા તમામ લાભો દિવ્યાંગોને પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે તેમાં તથા નોકરીઓમાં ૪ ટકાના ધોરણે અગ્રીમતા આપવામાં આવશે સાથે સાથે આ સુધારેલા કાયદામાં ૭ ના બદલે ૨૧ પ્રકારની દિવ્યાંગતા કેટેગરી ઉમેરાઇ છે તેના પ્રત્યે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સરકારની વિવિધ વિભાગોમાં ભરતી માટે કાયદાની જોગવાઇ અનુસાર એક્શન પ્લાન બનાવીને પ્રક્રિયા હાથ ધરાશે. સલાહકાર બોર્ડમાં સભ્યઓ દ્વારા દિવ્યાંગો માટે અલાયદી યુનિવર્સિટીની રચના કરવા માટે જે સૂચન થયુ છે એ માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ દાખવશે એવી તત્પરતા મંત્રી પરમારે દર્શાવી હતી. મંત્રીએ ઉમેર્યું કે, અધિકારી-કર્મચારીઓને દિવ્યાંગો માટેની યોજનાના લાભો સત્વરે મળે તે માટે ખભે ખભા મિલાવીને એક થઇને કામ કરીએ. તથા પત્રવ્યવહાર અને ફાઇલોનું સતત મોનીટરીંગ કરવા પણ મંત્રીએ સૂચનાઓ આપી હતી. સાથે સાથે દિવ્યાંગો માટેના સર્વેની કામગીરી પ્રત્યે પણ ખાસ ભાર મૂકીને ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવા માટે ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સલાહકાર બોર્ડની આ બેઠક વર્ષમાં ત્રણવાર મળશે જેથી કરીને દિવ્યાંગો માટેની કામગીરીની સવિસ્તૃત સમીક્ષા થઇ શકે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરીને વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી તેમજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, આરોગ્ય-પરિવાર કલ્યાણ, શિક્ષણ, કાયદો, માર્ગ અને મકાન, શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામગૃહ નિર્માણ, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, કૃષિ અને સહકાર, આદિજાતિ વિકાસ, મહિલા બાળ કલ્યાણ યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સવિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

(11:45 pm IST)