Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જેસીપી અને ડીસીપી સહિત અધિકારી સામે વોરંટ જારી

છારાનગરમાં લોકો પર પોલીસ અત્યાચારનો કેસ : કેસની મુદત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર નહી રહેતાં અધિકારીઓ સામે જામીનલાયક વોરંટ જારી

અમદાવાદ, તા.૧૩ : બે મહિના પહેલાં અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં દારૂની રેડ કરવા ગયેલા પોલીસ સબઈન્સપેકટર ઉપર થયેલા હુમલા બાદ આવી પહોંચેલી પોલીસ દ્વારા મહિલા, બાળકો સહિત અનેક સ્થાનિક લોકોને અમાનવીય અને ઢોર માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં આજે મુદત દરમ્યાન હાજર નહી રહેલા સેકટર-૨ના જેસીપી અશોક યાદવ, ડીસીપી કુ.શ્વેતા શ્રીમાળી, પીઆઇ આર.એન.વીરાણી અને પીએસઆઇ ડી.કે.મોરીના વલણની મેટ્રોપોલીટન કોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એન.એસ.સીદ્દીકીએ સેકટર-૨ના જેસીપી અશોક યાદવ, ડીસીપી કુ.શ્વેતા શ્રીમાળી, પીઆઇ આર.એન.વીરાણી અને પીએસઆઇ ડી.કે.મોરી વિરૂધ્ધ આજે જામીનલાયક વોરંટ જારી કરતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૦મી ડિસેમ્બર પર મુકરર કરી હતી. ફરિયાદી મનોજ તમૈચે દ્વારા મેટ્રોપોલીટન કોર્ટમાં પોલીસ દમન વિરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદમાં એડવોકેટ ભરત એચ.શાહે મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં જ્યાં પણ દારૂનું વેચાણ થાય છે ત્યાં કડક ચેકીંગ કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે સરદારનગરના પોલીસ સબઈન્સપેકટર મોરી પોતાના સ્ટાફ સાથે છારાનગરમાં ચેકીંગ કરવા ગયા હતા, ત્યારે તેમની ઉપર બુટલેગરોએ હુમલો કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં સરદાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત આસપાસના પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ છારાનગર મોકલી આપવામાં આવ્યો હતો. કોર્ટ સામે થયેલી ફરિયાદ પ્રમાણે જોઈન્ટ પોલીસ કમિશનર અશોક યાદવ, ડેપ્યૂટી પોલીસ કમિશનર શ્વેતા શ્રીમાળી પોલીસ ઈન્સપેકટર આર એન વિરાણી, મહિલા પોલીસ સબઈન્સપેકટ જે જી ધીલ્લોન, સબઈન્સપેકટર ડી જી પટેલ અને ડીકે મોરીએ નિદોર્ષ લોકોને માર મારી વાહનોની તોડફોડ કરી અશ્લીલ ભાષાનો પ્રયોગ કર્યો હતો.

પોલીસે સ્થાનિક મહિલાઓ સહિતના લોકોને અમાનવીય પોલીસ અત્યાચારનો ભોગ બનાવ્યા હતા, જેમાં ફરિયાદીના પત્ની અને પુત્રને પણ ઇજા પહોંચી હતી. આ મામલે કોર્ટે યોગ્ય તપાસના આદેશો જારી કરી કસૂરવાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવી જોઇએ. આ કેસમાં અગાઉ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એન.એસ.સિદ્દીકીએ જેસીપી અશોક યાદવ ઉપરાંત પીઆઇ આર.એન.વીરાણી, પીએસઆઇ ડી.કે.મોરી, મહિલા પીએસઆઇ જે.જે.ધિલ્લોન, ડીસીપી કુ.શ્વેતા શ્રીમાળી અને પીએસઆઇ ડી.જી.પટેલ વિરૂધ્ધ ઇપીકોની કલમ-૩૨૪, ૩૨૫, ૨૯૪(ખ), ૪૨૭, ૫૦૬(૨), ૧૧૪ હેઠળ સમન્સ જારી કર્યા હતા. આજે કેસની વધુ એક મુદત હતી પરંતુ ઉપરોકત ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા, જેની કોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી. કોર્ટે જેસીપી યાદવ સહિતના ઉપરોકત પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ જામીનલાયક વોરંટ જારી કર્યા હતા અને કેસની વધુ સુનાવણી તા.૧૦મી ડિસેમ્બર પર મુકરર કરી હતી.

(10:13 pm IST)