Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રેલવેમાં સરક્યુલર સહિતની માહિતી ડિજિટલાઇઝ બનશે

રેલ્વે તંત્રને પેપરલેસ બનાવવાની દિશામાં પહેલ : ફરજિયાત ઓનલાઇન અને ડિજિટલાઇઝેશન માટે તમામ ઝોનને સૂચના જારી કરી દેવાઇ :હવે કાગળપ્રથા બંધ થશે

અમદાવાદ, તા.૧૩ : કાગળની બચત અને ઝાડની સુરક્ષા માટે રેલ્વેતંત્ર દ્વારા ગુજરાત સહિત દેશનાં રેલવે સ્ટેશન પર ટ્રેનનાં આરક્ષિત ડબાઓ પર રિઝર્વેશન ચાર્ટ ન ચોંટાડવાનાં નિર્ણયને મળેલી સફળતા બાદ હવે રેલ્વેમાં સદંતર કાગળ પ્રથા બંધ  કરી દેવાય એ દિવસો કદાચ દૂર નથી. રેલ્વે તંત્રએ અમદાવાદ સહિતનાં રાજ્યનાં સરક્યુલર  ફરજિયાત ઓનલાઇન કરવા. જેથી હવે આગામી દિવસોમાં રેલ્વે ડિપાર્ટમેન્ટમાં મહત્વના સરક્યુલર સહિતની તમામ માહિતી ડિજિટલાઇઝ સ્વરૂપે ઉપલબ્ધ બનશે. કાગળની બચતનાં ભાગરૂપે રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પણ મેઈલ અને વોટ્સએપ કે અન્ય માધ્યમથી ડિજિટલાઇઝ કરવામાં આવી છે. રેલ્વેનાં આ નિર્ણયથી અમદાવાદનાં રેલ્વે તંત્રમાં મહિને પ૦૦૦ જેટલા કાગળની બચત થશે. રેલવેના તમામ સરક્યુલર  હવે ઈ-ડાક દ્વારા મોકલવામાં આવશે. અધિકારી અને કર્મચારી લોગ ઇન પાસવર્ડ દ્વારા તેને જોઈ શકશે. રેલ્વેનાં પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, કમ્પ્યૂટરમાં હાલમાં માત્ર ફાઈલ જ ચાલે છે તેમાં માત્ર ૧૦ કાગળના પ્રિન્ટિંગની લિમિટ છે. હવે સરક્યુલર બંધ પ૦૦ કાગળનું ર.૧૮ કિલો વજન થાય છે, છતાં મહિને પ૦૦૦થી વધુ કાગળની બચત થશે. તેથી મહિને ૧૧ કિલો જેટલા કાગળની બચત થશે.હાલમાં પણ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે અનરિઝ્વર્ડ ટિકિટિંગ સિસ્ટમ (યુટીએસ) મોબાઇલ એપ કાર્યરત છે. દિવાળીનાં વેકેશન દરમ્યાન હજારો મુસાફરોએ આ એપ દ્વારા ટિકિટ કઢાવી છે, જેનાં કારણે કાગળની બચત થઈ છે. મોબાઇલ પર કઢાવેલી ટિકિટનું પેમેન્ટ રેલવે-વોલેટ મારફતે કરાય છે. તેથી ટીટીઈને પ્રવાસ દરમિયાન માત્ર ડિજિટલ ટિકિટ જ બતાવવાની રહે છે. પ્રવાસીઓએ આર-વોલેટમાં લઘુતમ ૧૦૦ રૂપિયા અને મહત્તમ પ૦૦૦ રૂપિયાનું બેલેન્સ રાખવું જરૂરી છે. હાલમાં કાગળની બચતનાં ભાગરૂપે માત્ર રેલ્વે પ્લેટફોર્મ પર કાયદા અનુસાર કાગળ તેમજ ડિજિટલ ચાર્ટ લગાડવાનું ચાલુ રખાયું છે. પ્રવાસીઓની સંખ્યાનાં આધારે રેલવેતંત્ર રેલવે સ્ટેશનનું એ-વન, એ, બી, સી, ડી, ઇ, એફ એમ સાત શ્રેણીમાં વર્ગીકરણ કરે છે. દેશભરમાં રેલ્વેનાં કુલ ૧૭ ઝોન છે. જે સ્ટેશન પર ઇલેકટ્રોનિક ચાર્ટ લગાડવામાં આવેલાં છે ત્યાં પ્લાઝમા ગોઠવવામાં આવ્યાં છે અને એ તમામ કાર્યરત છે એવાં સ્ટેશનો પર રિઝર્વેશન ચાર્ટ લગાડવાનું બંધ કરાયું છે. તંત્રનો મુખ્ય આશય પેપરલેસ સીસ્ટમ ઊભી કરવાનો છે.

(10:21 pm IST)