Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કરોડો રૂપિયા લઇને ફરાર દંપત્તિની શરૂ કરાયેલ શોધ

ઠગ્સ ઓફ ગુજરાત બનેલા દંપત્તિની ચર્ચા : પોલીસ, રાજકારણીઓથી લઇ પત્રકારોને પૈસા ચૂકવ્યા હોવા પત્રમાં ખુલાસો : પતિ-પત્નીને પકડવા ચક્રો ગતિમાન

અમદાવાદ, તા.૧૩ : થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી લોકોને એકના ડબલ કરી આપવાની લાલચમાં ફસાવી કરોડો રૂપિયા ખંખેરી રફુચક્કર થઇ જનાર ઠગ્સ ઓફ ગુજરાત બનેલા દંપતિનો કિસ્સો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. મહાઠગ બની લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનાર વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે અત્યારસુધીમાં રૂ.૨૬૦ કરોડમાં લોકોને રાતા પાણીએ રોવડાઇ નાંખ્યા છે, પોલીસની તપાસમાં આ આંક હજુ ઉંચો જાય તેવી શકયતા છે ત્યારે બીજીબાજુ, મહાઠગ વિનય શાહે એક લેટરબોમ્બ જારી કરી પોતાનું કૌભાંડ છાવરવા અને બચાવનો નિરર્થક પ્રયાસ કર્યો છે. જેમાં તેણે પોલીસ, રાજકારણીઓથી લઇ પત્રકારોને પૈસા ચૂકવ્યા હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે, પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.સમગ્ર ગુજરાતમાં આજે ઠગ્સ ઓફ ગુજરાત એવું આ દંપતિ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યા છે. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે અમદાવાદના થલતેજમાં ઓફિસ ખોલીને લોકોને ૨૬૦ કરોડમાં નવડાવી દીધા છે. આ ઠગ દંપતિએ થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી હતી. તેમણે એકના ડબલ કરવાની લાલચ આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી હાલ નેપાળમાં છે અને તેની પત્ની દીલ્હીમાં છે. જોકે દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આરોપી ઠગ વિનય શાહ દ્વારા આ કૌંભાડ બાબતે ૧૧ પાનાની ચિઠ્ઠી લખાવવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી, નેતા અને પત્રકારોને પૈસા ખવડાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્ર હાલ વાઇરલ થઇ ગયો હોઇ તેને લઇને પણ ભારે ચકચાર મચી ગઇ છે. મહાઠગ વિનય શાહનો દાવો છે કે તેની પાસે કરોડો ચૂકવ્યાના ઓડિયો– વીડિયો રેર્કોડિંગ છે તેમજ ઉચ્ચ અધિકારીને પ્રોટેક્શન મની પેટે રૂ.૫૦ લાખ ચૂકવ્યા હોવાના પુરાવા પણ છે. માત્ર એટલું જ નહીં, મીડિયામાં સમાચાર નહીં આપવા પત્રકારોને રૂ.૨૧ લાખ ચૂકવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન-આર્ચર કેર ડીજી કંપનીએ એક વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. ઓનલાઈન જાહેરાત જોવાનું કહીને અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અંદાજે એક લાખ લોકો પાસેથી ડિપોઝીટ મેળવી હતી અને લોકોના ખાતામાં પૈસા જમા ન થતા લોકો ઓફિસે દોડી ગયા હતા. જોકે ત્યાંથી તો વિનય શાહ ફરાર થઇ ગયો હતો. જ્યારે પાલડી ખાતેના નિવાસ સ્થાને પણ ખંભાતી તાળું જોવા મળ્યુ હતું. ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં પહોંચ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદના આક્ષેપ મુજબ, આરોપીએ વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યૂશન નામની કંપની ખોલી હતી અને જે હેઠળ આર્ચરકેર.નેટ અને આર્ચરકેર.ઓઆરજી એમ બે પેટા કંપની ખોલી હતી. આ કંપનીમાં લોકોને મેમ્બર બનાવવામાં આવતા હતાં અને તેમના અલગ-અલગ આઈડી અને પાસવર્ડ આપવામાં આવતા હતા. આ આઈડી ખોલી તેમને માત્ર જાહેરાત જોવાનું કામ હતું અને જે મેમ્બર જાહેરાત જુએ તેમની વેબસાઇટમાં રુપિયા જમા થતા હતા અને ત્યારબાદ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. તેની સાથે સાથે ત્રણ સ્કીમો પણ આપવામાં આવી હતી. આ આઈડી મેળવવા માટે ૪૫૦૦, ૯૫૦૦ અને ૨૫૦૦૦ની સ્કીમ લેવી ફરજીયાત હતી.જે મેમ્બર ૪૫૦૦ની સ્કીમ લે તેમને ૧૦ મહિનામાં રકમ ડબલ અને ૪૦૦ વાર તેમની જાહેરાત પણ વેબસાઈટ પર ચલાવવાની લાલચ આપવામાં આવી હતી. ૯૫૦૦ની સ્કીમ રાખે તો ૧૨ મહિનામાં રકમ ડબલથી વધારે અને ૯૦૦ વાર તેમની જાહેરાત ચાલે અને ૨૫૦૦૦ની સ્કીમ લેવા પર ૧૪ મહિનામાં ૭૨ હજાર અને ૨૫૦૦ વાર જાહેરાત ચલાવવાની વાત કરી હતી. નોંધનીય છે કે મેમ્બરને જાહેરાત જોવાના,ચલાવવા અને કમિશનની સાથે રકમ ડબલ કરવાની સ્કીમ આપવાની લાલચ આપી માયાજાળમાં ફસાવવામાં આવ્યા હતા.

શાહ પાસે હું ૫૦ લાખથી વધારે માંગુ છું : સ્વપ્નીલ

તર્કદાર દલીલો કરાઈ હતી

મહાઠગ વિનય શાહે પોતાના પત્રમાં સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નીલને પણ પૈસા આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે ત્યારે સ્વપ્નીલ રાજપૂતે આ આક્ષેપોને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે, ઉલ્ટાનું હું વિનય ભાઇ પાસે ૫૦ લાખથી વધુ માગું છું અને અમે ૧૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.  દિવાળી સમયે પૈસા માટે મેં વિનંતી કરી હતી. આ દરમિયાન તેણે ગમે તેમ બોલવાનું ચાલુ કર્યું હતું. હું વિનયભાઈ પાસે ૫૦ લાખ રૂપિયાથી વધુ માગું છું. બીજા દિવસથી તેમનો ફોન બંધ છે અને અમે તેની સામે કાર્યવાહી કરતા રૂપિયા ૧૦ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. આ સિવાય હું ચેક બાઉન્સ થવાને લઇ ચીટીંગની ફરિયાદ કરીશ. મારે તેમની સાથે સમાધાન માટે વાત થઈ હતી. અમે રાજકીય આગેવાન હોવાથી સંસ્થા ખોલીને બેઠા છીએ. શેરબજારમાં રોકવા લગભગ જાન્યુઆરીથી જુલાઈ સુધી અલગ અલગ રૂપિયા લઈ જતો હતો અને અમારું પણ રોકાણ હતું. છેલ્લે ધનતેરસે વાત થઈ હતી અને હવે તે આક્ષેપ કરે છે. તે ભાગી ગયો છે અમે તો હાજર છીએ. રૂ.૫૦ લાખ પોતાના અને રૂ.૫૦ લાખ સંસ્થાના આપેલા છે. ગુજરાત રાજ્ય સેવા સમિતિ સંસ્થાના નામે રૂપિયા આપ્યા હતા.

પત્રમાં કરાયેલા આક્ષેપ.....

ફરાર દંપત્તિના કેસની ચારેબાજુ ચર્ચા છેડાઈ

થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી લોકોને એકના ડબલ કરી આપવાની લાલચમાં ફસાવી કરોડો રૂપિયા ખંખેરી રફુચક્કર થઇ જનાર ઠગ્સ ઓફ ગુજરાત બનેલા દંપતિનો કિસ્સો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પત્રમાં કરાયેલા આક્ષેપો નીચે મુજબ છે.

*   ભીમદેવવાળાએ રૂ.૨૫ લાખ પડાવ્યાનો આક્ષેપ

*   ગૌરવ સેના અને ગુજરાત રાજ્ય સેવા સમિતિને રૂ.૫ લાખ ચૂકવ્યાનો આક્ષેપ

*   સેટલમેન્ટના નામે દર મહિને એક લાખનો હપતો શરૂ કર્યાનો ચિઠ્ઠીમાં દાવો

*   ગૌરવ સેના રૂ.૫૦ હજાર અને જીઆરઆરએસ રૂ.૫૦ હજાર લેતા હોવાનો આક્ષેપ

*   ૧ લાખ લેખે ૧૦ મહિનાના રૂ.૧૦ લાખ ચૂકવ્યા હોવાનો દાવો

*   સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નીલ રાજપૂતના માણસોને પણ પગાર ચૂકવ્યા હોવાનો આક્ષેપ

*   ૧૦ મહિનામાં પગાર પેટે રૂ.૧.૫ લાખ ચૂકવ્યા હોવાનો ચિઠ્ઠીમાં આક્ષેપ

*   વન રે કંપનીના હરિઓમને રૂ.૮ લાખ ચૂકવ્યા હોવાનો આક્ષેપ

*   ડ્રીમ પેસેફિક કંપનીના મુકેશ કટારાએ રૂ.૫ લાખ પડાવ્યાનો આક્ષેપ

*   જે. કે. ભટ્ટને રૂપિયા રૂ.૧૧ લાખ આપવા કહ્યું હોવાનો આક્ષેપ

*   સ્વપ્નીલ રાજપૂતે પ્રોટેક્શન માટે જે.કે. ભટ્ટને રૂપિયા આપવા કહ્યું હોવાનો આરોપ

*   વિનય શાહે જે.કે. ભટ્ટને વ્યક્તિગત મળી પૈસા આપ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ

*   સ્વપ્નીલ રાજપૂતને ફરી રૂ.૨ કરોડ આપ્યા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

*   સુરેન્દ્ર રાજપૂતના કહેવાથી મીનાક્ષી મેડમને રૂ.૧.૫ લાખ આપ્યાનો દાવો

*   વકીલોને કુલ રૂ.૫ લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો

*   ભીમદેવ વાળાએ સેટલમેન્ટના નામે વધુ રૂ.૯.૬ લાખ પડાવ્યાનો આક્ષેપ

*   વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રૂ.૩.૫ લાખ આપ્યા હોવાનો દાવો

*   રાઇટર્સને રૂ.૨.૨૫ લાખ આપ્યા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

*   જનકસિંહ પરમારને રૂ.૫ લાખ આપ્યા હોવાનો આક્ષેપ

(9:03 pm IST)