Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આણંદ નજીક કરમસદમાં તસ્કરોનો તરખાટ: બે મંદિરો સહીત બે મકાનમાંથી લાખોની મતાની તફડંચી

આણંદ:નજીક આવેલા કરમસદમાં ગઈકાલે રાત્રીના સુમારે ચોરોને જાણે કે મોકળુ મેદાન મળ્યુ હોય તેમ બપોરથી લઈને રાત્રી સુધી બે મંદિરો અને બે મકાનોને નિશાન બનાવીને લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં ભક્તો અને રહીશોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. વિદ્યાનગર પોલીસે આ અંગ ેગુનાઓ દાખલ કરવાને બદલે માત્ર અરજીઓ જ લઈને તપાસ હાથ ઘરતાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થવા પામ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ભરબપોરના સુમારે બાઈક પર આવી ચઢેલા બે શખ્સોએ લીમ્બચ માતાના મંદિરની ગ્રીલ તોડીને અંદર ઘુસ્યા હતા અને દાનપેટીમાંથી ૨૦ હજાર જેટલી રકમની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ શનિદેવ મંદિરમા ંત્રાટક્યા હતા અને ત્યાંથી પાંચથી છ હજારની રકમ ભરેલી આખી દાનપેટી જ ઉઠાવી ગયા હતા. આ ઘટનાઓ અંગે મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાનગર પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેને લઈને રાત્રીના સુમારે ફરીથી તસ્કરો ત્રાટક્યા હતા અને સુભાષ પોળમાં આવેલા વિદેશમાં રહેતા વિનુભાઈ પટેલના મકાનને નિશાન બનાવીને તાળુ તોડી અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ અંદરનો બધો સામાન વેરવિખેર કરી નાંખીને કીમતી ચીજવસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વિનુભાઈ વિદેશ રહેતા હોય કેટલાની મત્તા ચોરાઈ છે તે જાણી શકાયુ નથી. ત્યારબાદ તસ્કરોએ નજીકમાં રહેતા અને એલિકોન એન્જિનિયરીંગમા નોકરી કરતાં ધર્મેશભાઈના ઘરમાં ત્રાટક્યા હતા અને બોનસના આવેલા ૧૬ હજાર રૂપિયા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

ચોરીઓ અંગે વિદ્યાનગર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ આવી ચઢી હતી અને માત્ર અરજીઓ જ લઈને કાર્યવાહી હાથ ઘરી હતી.

(4:50 pm IST)