Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

તાપી જિલ્લાના ઉચ્છલમાં અંધશ્રદ્ધાના નામે સારવાર: યુવાનનું કમકમાટી ભર્યું મોત

તાપી: જિલ્લાના ઉચ્છલના કાટીસકુવા ગામે પિતરાઈ ભાઈનાં શરીરમાં પાંચ ડાકણ ઘુસી છે, જેમાંથી ત્રણ નીકળી ગઇ છે, બાકીની બે કાઢવાની છે એમ કહી અન્ય પિતરાઈ ભાઈઓએ કુટુંબીઓને ઉશ્કેરી પિતરાઈને ચપ્પુનાં ડામ આપી લાકડાથી ફટકારી ઢીક મુક્કીનો મારમારી હત્યા કરતા ચકચાર મચી છે.  કુટુંબી પિતરાઈ બહેન અને ભાઈઓએ મળી કુલ ૬ સામે ઉચ્છલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ઉચ્છલનાં કાટીસકુવા ગામે  નિશાળ ફળીયામાં રહેતા બે બાળકોના પિતા રાજેશ દેવજીભાઈ વસાવા (ઉ.વ.૩૩)ને તેના જ ફળીયામાં રહેતા કાકા અને તેમના પુત્રો જોડે સામાન્ય બાબતે ઝઘડા ચાલતા હતા. કુટુંબીઓ પણ અનેક વાર નવા-નવા બહાના કાઢી ઝઘડો કરતા રહેતા હતા. 

હાલ દિવાળીની રજા હોય પરિવારના બધા ઘરે હોવાથી રાજેશ વસાવાના કાકાની પુત્રી વિન્તુબેન ગજુભાઈ વસાવાએ તેના અન્ય કુટુંબી કાકા તથા ભાઈઓને તા.૧૦નાં રોજ શનિવારે જણાવેલ કે, રાજેશના શરીરમાં પાંચ ડાકણ ઘુસી છે, જેમાની ત્રણ ડાકણ નીકળી ગઈ છે અને બે ડાકણ નિકાળવાની બાકી છે, જેથી રાજેશભાઈને મારો. આમ અંધશ્રધ્ધા રાખી વિન્તુબેને અન્ય કુટુંબીઓને ઉશ્કેરતા પિતરાઈ અમિત કૃષ્ણાભાઈ વસાવાએ રાજેશને લાકડીથી માર્યો હતો, ઉત્તમભાઈ સજીયાભાઈ વસાવાએ ચપ્પુ ગરમ કરી પગનાં અને આખા શરીર પર ડામ આપ્યા હતા. 

(4:33 pm IST)