Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વડોદરામાં ભાઈ બીજ કરવા ગયેલ બિલ્ડરના બંધ મકાનમાંથી 6.89 લાખના મુદ્દામાલની ચોરી

વડોદરા:ભાઈબીજના તહેવાર નિમિત્તે ગાંધીનગરમાં રહેતા વેવાઈના ઘરે ગયેલા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં રહેતા બિલ્ડરના બંધ મકાનની શટરવાળી બારી ખોલીના મકાનમાં ઘુસેલા તસ્કરો રોકડ,દાગીના,લેપટોપ અને ડોલર સહિત ૬.૮૯ લાખની મતાની ચોરી કરી ગયા હતા.

શહેરના ઈલોરાપાર્ક શાકમાર્કેટ સામે આવેલી આમ્રકુંજ સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય ચેતનભાઈ હસમુખભાઈ શાહ પવન ગૃ્રપ કન્સ્ટ્રકશન નામે બાંધકામનો વેપાર કરે છે. ગત ૯મી તારીખના રોજ ભાઈ બીજનો તહેવાર હોઈ તે તમના પત્ની તેમજ પુત્ર અને પુત્રવધુ સાથે સવારે   ગાંધીનગર ખાતે રહેતા તેમના વેવાઈ ડો.હરિશભાઈ ઠેકડીના ઘરે ગયા હતા. ગઈ કાલે બપોરે તેઓ ઘરે પરત ફરતા તેમને  મકાનના તમામ બેડરૃમમાં તપાસ કરતાં કબાટના બારણા ખુલ્લા અને સામાન વેરણછેરણ હોવાનું નજરે ચઢતા તેઓ ચોંકી ઉઠયા હતા. 

ં તેમણે પરિવાર સાથે તમામ રૃમો અને કબાટોમાં તપાસ કરી હતી જેમાં જાણ થઈ હતી કે તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૃમની કાચની મોટી શટરવાળી બારી ખોલી મકાનમાં ઘુસેલા તસ્કરો ૨૪ તોલાથી વધુ વજનના સોનાના વિવિધ જાતના દાગીના તેમજ ૪૦૦ ગ્રામ ચાંદીના ૪૦ સિક્કાઓ, ૧ કિલો ચાંદીની ભગવાનની મુર્તિઓ, રોકડા ૩૫ હજાર, ૩૦૦ ડોલર અને એક લેપટોપ સહિત ૬.૮૯ લાખની મતાની ચોરી કરી ગયા છે. આ બનાવની તેમણે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(4:27 pm IST)