Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

બિહારની હર્ષા મિશ્રા અને વડોદરાની એલ્બી જોલીએ ૨૯ રાજયનો બાઇક ઉપર પ્રવાસ ખેડયો

 

અમદાવાદઃ બિહારની હર્ષા મિશ્રા જ્યારે તેની સાઈકલિંગ ટૂર દરમિયાન વડોદરા આવી ત્યારે તેને મળવા ગયેલી વડોદરાની એલ્બી જોલીને ખ્યાલ પણ નહતો કે તે બંને મળીને કંઈક એવું હાંસલ કરશે જેનું સપનુ પણ મોટાભાગની ભારતીય છોકરીઓ નથી જોઈ શકતી. એલ્બી કહે છે, “અમે પાંચ મિનિટ વાત કરી અને અમને સમજાઈ ગયુ કે અમે સાથે શું કરવા માંગીએ છીએ.21 વર્ષની એલ્બીએ 19 વર્ષની હર્ષા સાથે દેશના તમામ 29 રાજ્યના પ્રવાસે બાઈક પર જવાનો નિર્ણય કરી લીધો.

હર્ષા અને એલ્બીએ જણાવ્યું, “અમે આખા દેશમાં બાઈક પર ફરનારી સૌથી નાની ઉંમરની બાઈક રાઈડર્સ બનવા માંગીએ છીએ. અમે અમારી યાત્રા દરમિયાન ત્રણ સંદેશ ફેલાવ્યા. અમારી આ જર્નીને અમે સફર-એ-હિંદુસ્તાન નામ આપ્યું હતું. અમે એ સંદેશો ફેલાવવા માંગતા હતા કે ભારત સ્ત્રીઓ માટે સેફ છે. આ સાથે જ બાઈક ચલાવતી વખતે હેલમેટ પહેરવાનું મહત્વ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મેસેજ ફએલાવવા માંગતા હતા. અમે સના ઈકબાલ (સ્વર્ગસ્થ ક્રોસ કંટ્રી બાઈકર)ના કામને આગળ વધારવા માંગતા હતા. તે આત્મહત્યા અને ડિપ્રેશન અંગે જાગૃતિ ફેલાવાનું કામ કરતી હતી. અમે યુવાનોને આ સળગતા મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ.

તેમણે એક વાર આ નક્કી કરી લીધું પછી પાછળ વળીને જોવાનો વારો નથી આવ્યો. તેમણે 500 સીસીની મોટરબાઈક પર 31 જુલાઈથી લખનૌથી શરૂઆત કરી હતી. એલ્બી અત્યારે IGNOUમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છે જ્યારે હર્ષાએ 12મા ધોરણની બોર્ડ એક્ઝામ પાસ કરી છે. તેમણે હાલમાં જ તેમની 25,000 કિ.મીની યાત્રા પૂર્ણ કરી હતી.

એલ્બીએ જણાવ્યું કે શરૂઆતમાં તો તેના ઘરે બધા જ તેની મજાક ઊડાવતા હતા પણ પછી તેને ઘણો સપોર્ટ મળ્યો. હર્ષાએ કહ્યું કે આજકાલ યુવાનો જીદ કરે છે કે તેમને સ્માર્ટફોન જોઈએ અથવા તો ફ્રેન્ડ સાથે ટ્રિપ પર જવુ છે. અને પેરેન્ટ્સ પછી માની જાય છે. અમારી ટ્રિપ એક સારા હેતુ માટે હતી. હવે આ જીદ સામે તો ઘરવાળાએ ઝૂકવુ જ પડે તેમ હતુ. એ વાત સમજી શકાય કે આવી ટ્રિપમાં મા-બાપને તમારી સેફ્ટીની ચિંતા થાય. પરંતુ તેમને એક વાર અમારુ ગાંડપણ સમજાઈ ગયુ પછી તેમણે પણ હામી ભણી દીધી.

એલ્બીએ વધુમાં જણાવ્યું કે આ ટ્રિપ દરમિયાન તેને એવા અનેક યાદગાર અનુભવ થયા જે તે જીવનભર ભૂલી નહિ શકે. નોર્થ ઈસ્ટમાં એવી જગ્યાઓ હતી જ્યાં રસ્તા જ નહતા અને ડ્રાઈવ કરવુ ખૂબ જ મુશ્કેલ હતુ. અમે આઠ કલાકમાં માત્ર 60 કિ.મી ચલાવી શક્યા હતા. મણિપુરમાં હથિયાર સાથે થોડા લોકોએ અમને ઘેરી લીધા અને પૈસાની માંગણી કરી હતી. અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા પરંતુ છેવટે તેમણે અમને જવા દીધા હતા. આ ટ્રિપ પૂરી કર્યા બાદ અમે ગર્વથી કહી શકીએ કે ભારત ખરેખર સ્ત્રીઓ માટે સેફ છે. નહિં તો અમે આ ટ્રિપ પૂરી ન કરી શક્યા હોત.

હર્ષાએ બીજા એક અનુભવ વિષે વાત કરતા જણાવ્યું કે ગોવાથી બેંગલુરુ જતા કોઈ નેટવર્ક નહતું અને અમારુ ટાયર પંચર થઈ ગયુ. સદનસીબે અમને એક મિકેનિક મળી ગયો પણ તેણે અમારી પાસે 500 રૂપિયા ચાર્જ લીધો. અમારી પાસે એ સમયે માત્ર 300 રૂપિયા જ હતા પણ અમે તેને મનાવી લીધો. અમે દરેક રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓને મળ્યા અને એ ખરેખર યાદગાર અનુભવ હતો.

એલ્બીના પિતા જોલી એમ.પી જણાવે છે, “શરૂઆતમાં અમને ખ્યાલ જ ન આવ્યો કે એલ્બી આવુ કંઈ પ્લાન કરી રહી છે. અમને તો ન્યુઝપેપરથી ખબર પડી કે બે બહાદુર છોકરીઓ આવી ટ્રિપ પ્લાન કરી રહી છે. તે નસીબદાર છે કે તેમને બીજા બાઈકિંગ ગૃપ્સ અને ભલા લોકો પાસેથી મદદ મળી રહી. શરૂઆતમાં અમે આ પ્લાન વિષે વાંચ્યું તો લાગ્યુ કે મઝાક કરી રહ્યા છે. મારી પત્નીને પણ શક હતો. પણ ધીમેધીમે અમે તેમને તેમનું સપનુ પૂરુ કરવાની છૂટ આપી. આજે મને મારી દીકરી પર ખૂબ જ ગર્વ છે.

એલ્બીએ જણાવ્યું કે હું બધી જ છોકરીઓને જણાવવા માંગુ છું કે જો તમારુ કોઈ સપનુ છે તો તેના માટે લડત આપો. લોકો શું કહે છે, શું વિચારે છે તેની પરવા ન કરો. લોકો જજ કરે તેનાથી ડરો નહિ. છોકરીઓ ફાઈટર પ્લેન ચલાવી શકે તો કંઈપણ કરી શકે છે. તેની વાતમાં હામી પૂરાવતા હર્ષા જણાવે છે, “હું એકદમ આ વાત સાથે સંમત છું. લોકો શું વિચારે છે તેનાથી બિલકુલ ફરક નથી પડતો. આપણે લોકોએ ભૂતકાળમાં શું થયુ તેનો પણ વિચાર ન કરવો જોઈએ. જો તમારુ કોઈ સપનુ હોય તો તમારે ધીરજ ધરવી જોઈએ અને મનોબળ મક્કમ રાખવુ જોઈએ.

એલ્બીએ કહ્યું, “અમે અમારા ફેમિલીને હજુ સુધી કહ્યું નથી પરંતુ અમે નેપાળ, ભૂટાન અને મ્યાનમાર કવર થાય તેવી ઈન્ટરનેશનલ બાઈક રાઈડ પર જવા માંગીએ છીએ. હર્ષા સાથે ટ્રાવેલ કરવાની મજા આવે છે. તે ખૂબ જ બહાદુર છોકરી છે અને દિશાની સારી સૂઝ ધરાવે છે. હું તેને હવે કેપ્ટન મિશ્રા કહીને બોલાવું છું. પર્સનલ વાત કરું તો હું SSB પરીક્ષા ક્લીયર કરીને ઈન્ડિયન આર્મ્ડ ફોર્સમાં જોડાવા માંગુ છું.હર્ષાએ જણાવ્યું કે તે આવી અનેક ટ્રિપ પર જવા માંગે છે. તે બંને NCCના વિદ્યાર્થીઓ છે અને એડવેન્ચર ખૂબ જ પસંદ છે. હર્ષાએ કહ્યું, “મારો પરિવાર ઈચ્છે છે કે હું UPSCની પરીક્ષા ક્લિયર કરું અને હું તેમનું સપનુ પૂરુ કરવાનો પણ પ્રયત્ન કરવા માંગુ છું.

(4:34 pm IST)