Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

બાપુનું મિશન-ર૦રર

બાપુ ર૪મીએ કરશે સ્‍નેહમિલન સ્‍વરૂપે શકિત પ્રદર્શન

ગાંધીનગર ખાતે સેકટર ૮માં સમર્પણ ગ્રાઉન્‍ડ ખાતે બપોરના બે વાગ્‍યે જાહેર થઇ શકે છે રાજકીય ‘ધડાકો'? : ગુજરાતમાં એનસીપીના સંગઠનને નવુ જોમ આપવામાં શંકરસિંહજીનું રહેશે યોગદાન : વાઘેલા નવા ‘હથીયારો' અને નવી ‘રણનીતિ' જાહેર કરશે

રાજકોટ તા. ૧૩ : નવી રણનીતિ, નવા જોડાણ, નવા ભંગાણ, માટેના માસ્‍ટર માઇન્‍ડ પીઢ રાજકારણી શંકરસિંહજી વાઘેલા મિશન ર૦૧૯ ત્‍થા ર૦રર ને અનુલક્ષીને ફરી નવા રાજકીય રૂપરંગ સાથે મેદાને આવી રહ્યા છે. આગામી ર૪ મીએ બપોરના બે વાગ્‍યે ગાંધીનગર સેકટર આઠમાં આવેલ સમર્પણ ગ્રાઉન્‍ડ ખાતે સ્‍નેહ મિલન સ્‍વરૂપે ર૦ થી રપ હજારની વિશાળ મેદની એકત્રીત કરી શકિત પ્રદર્શન માટેની તડામાર તૈયારીઓ આરંભી દેવાયાનું અને બાપુ મોટી રાજકીય જાહેરાત કરી શકે છે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

પુર્વ મુખ્‍યમંત્રી, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી, ભાજપ અને કોંગ્રેસ બન્નેના પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ વિપક્ષી નેતા શંકરસિંહજી વાઘેલા રાજકીય શતરંજના બેતાજ બાદશાહ મનાય છે. જો કે છેલ્લા થોડા સમયથી શતરંજના પાસા પોબારા પડતા નથી પરંતુ પીઢ રાજકીય મહારથીનો રાજકારણમાં ભય હજુ પણ યથાવત જ છે.

જો કે કદાચ જાહેરમાં એવુ લાગે કે ગત વિધાનસભામાં બાપુના પાસા પોબારા પડયા નથી બાકી બાપુનું ગુપ્ત મિશન પાર પડી પણ ગયુ હોય શકે. બાપુના અંતરંગ વર્તુળોમાંથી સ્‍પષ્‍ટ અહેવાલ મળે છે કે, હાલ બાપુનો એક જ મુદાનો ‘ભાજપ ડેમેજ' કાર્યક્રમ છે.

બાપુ હાલ રાષ્‍ટ્રીય કક્ષાએ ભાજપની સામે સંયુકત મોરચો જ કાર્યરત રહે. ત્રીજો મોરચો બને જ નહીં  તે માટે મહાગઠ બંધન માટેના પ્રયાસો બાપુ કરી રહ્યા છે.

ગત વિધાનસભામાં બાપુના જનવિકલ્‍પને ‘ભાજપ-ર'  બનાવવામાં  સત્તાધારી પક્ષ સફળ રહેતા બાપુ આ વખતે છાશ પણ ફુંકી ફુંકીને પી રહ્યાના વાવડ છે અને ભાજપની સામે લડતા કોંગ્રેસ પક્ષને કઇ રીતે વધુ ફાયદો થાય તે માટેની રણનીતિ ઘડી રહ્યા છે.

શંકરસિંહજી વાઘેલા ર૦૧૯ માં ભાજપ વધુ ને વધુ ડેમેજ થાય તે માટે પ્રયત્‍નશીલ છે પરંતુ બાપુનું મુખ્‍ય લક્ષ્ય ર૦રર માં આવનારી વિધાનસભા ચૂંટણીઓ છે. ગુજરાતમાંથી ભાજપનો શાસનકાળ સમાપ્ત થાય તે માટે લાંબા ગાળાની રાજકીય નીતિ ઉપર બાપુ આગળ વધી રહ્યાનું મનાય છે.

બાપુ આગામી ર૪ મીએ બપોરે યોજાનાર સ્‍નેહ મિલન કાર્યક્રમને શકિત પ્રદર્શનમાં પરિવર્તિત કરશે અને રાજકીય નગારે મહત્‍વનો ઘા મારશે તેમ પણ જાણવા મળે છે.

ર૪ મીએ બાપુ દેશવ્‍યાપી રાજકીય પડઘા પડે તેવી જાહેરાત કરી શકે છે. બાપુ દર વર્ષે ‘વસંતવગડે'સ્‍નેહ મિલન યોજે છે પરંતુ આ વખતે કાંઇક અલગ જ રાજકીય રંગરૂપ આપવા સમર્પણ ગ્રાઉન્‍ડ ખાતે કાર્યક્રમ  યોજાશે અને ર૦ થી રપ હજારની મેદની એકત્રીત કરી રાજય વ્‍યાપી કે દેશ વ્‍યાપી મહત્‍વની જાહેરાત કરી શકે છે.

દરમ્‍યાન એક એવા અહેવાલ પણ મળે છે કે બાપુ દેશના વિવિધ રાજયોમાં અલગ અલગ મુખ્‍ય પક્ષોના નેતાઓને મળ્‍યા છે અને ભાજપ સામે સંયુકત ઉમેદવાર જ ચૂંટણી લડે તે માટે વિપક્ષોની એકતા માટે પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ બાપુ એન. સી. પી. ના શરદ પવાર, અને પ્રફુલ્લ પટેલ સાથે વિસ્‍તૃત ચર્ચા કરીને ગુજરાતમાં એનસીપીના સંગઠનને મજબુત બનાવવા પોતાની તમામ તાકાત લગાડી દેશે તેવુ પણ જાણવા મળે છે.

એન. સી. પી. માં વધુ રાજકીય મોટામાથાઓને જોડીને અલગ કલેવર આપીને લોકસભા અને ર૦રર ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપીનું જોડાણ કરી ભાજપને પછડાટ આપવા પણ બાપુએ ખભ્‍ભા ઉચકયાનું મનાય છે.

ગુજરાતની લોકસભા ચૂંટણીમાં એનસીપીના ત્રણ થી ચાર મજબુત ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટેના પણ પ્રયાસો આદરાયા છે. કોંગ્રેસ સાથે જોડાણ કરીને એન. સી. પી. ગોધરા, ખેડા, રાજકોટ, પોરબંદર જેવી બેઠકો પણ લડી શકે છે તેવા વાવડ મળી રહ્યા છે.

ટૂંકમાં કહીએ તો બાપુએ ચોકકસ ‘લક્ષ્ય' સાથે રાજકીય ધનુષ ઉપર બાણ ચડાવ્‍યુ છે. ર૪ મીએ ‘લક્ષ્ય' અંગે ફોડ પણ પડી શકે છે. આ અંગે રાજકીય વિશ્‍લેષકોમાં ભારે ઉત્તેજના જાગી છે.

(3:38 pm IST)