Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મહિલાના પેટમાંથી મળી ખીલ્લી, સેફટી પીન, ચેઇન જેવી ૧.૫ કિલો ધાતુની વસ્તુઓ

એકસ-રે કર્યા બાદ તાત્કાલિક કર્યુ ઓપરેશનઃ ડિસઓર્ડરથી પીડાય છે મહિલાઃ પરિવારે રાખવાનો કર્યો ઇનકાર

અમદાવાદ, તા.૧૩: એક ઈંચ લાંબી લોખંડની ખીલ્લીઓ, બોલ્ટ્સ, સેફ્ટી પીન, યુ-પીન, વાળમાં નાખવાની પીન, બ્રેસલેટ, ચેન, મંગળસૂત્ર, તાંબાની વીંટી, બંગડી આ બધી વસ્તુઓ તમને હાર્ડવેર સ્ટોર કે જવેલરીની દુકાનમાં મળે પરંતુ આ બધી જ વસ્તુઓ એક મહિલાના પેટમાંથી સિવિલ હોસ્પિટલના ડોકટર્સે ઓપરેશન કરીને બહાર કાઢી છે. ૪૦-૪૫ વર્ષની વચ્ચે ઉંમર ધરાવતી સંગીતાને ૩૧ ઓકટોબરે સરકારી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સવિતાએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. મહારાષ્ટ્રના શિરડીની વતની સંગીતા માનસિક રીતે અસ્થિર છે. સંગીતા અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ફરતી જોવા મળી, કોર્ટના આદેશ બાદ તેને મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટના સીનિયર સર્જન ડો. નીતિન પરમારે કહ્યું કે, મહિલાનું પેટ પથ્થરની જેમ ભારે થઈ ગયું હતું. એકસ-રેમાં મહિલાના પેટમાં ગઠ્ઠા જેવું જોવા મળ્યું જયારે સેફ્ટી પીન મહિલાના ફેફસા સુધી પહોંચી હતી. એક પીનના કારણે મહિલાના પેટની દીવાલમાં કાણું પડ્યું જેના કારણે તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું. મહિલાનું ઓપરેશન અઢી કલાક કરતાં વધારે સમય ચાલ્યું.

ડોકટર્સને મહિલાના પેટમાંથી તીક્ષ્ણ પદાર્થો, જવેલરી, દોરી અને ઝિપર મળ્યા જેનું વજન લગભગ ૧.૫ કિલો છે. ઓપરેશન કર્યા બાદ ફરીથી મહિલાના પેટનો એકસ-રે કરવામાં આવ્યો જેથી કંઈ રહી ગયું હોય તો કાઢી શકાય. ડો. નીતિન પરમારે કહ્યું કે, એકયુફેજિઆ ( Acuphagia) રેર ગણી શકાય તેવો ડિસઓર્ડર છે, જેમાં વ્યકિત તીક્ષ્ણ પદાર્થો અને અમુક ન પચી શકે તેવી વસ્તુઓ ખાય છે. સામાન્ય રીતે માનસિક બીમાર વ્યકિતમાં આ ડિસઓર્ડર જોવા મળે છે. વર્ષમાં એકાદ કેસ જ આવો આવે છે. કેટલાય મહિનાઓથી મહિલા આ પદાર્થો ખાતી હતી.

ડો. નીતિન પરમારે ડો. ગજેન્દ્ર, ડો. લોમેશ અને ડો. શશાંક સાથે મળીને મહિલાનું ઓપરેશન કર્યું. સરકારી મેન્ટલ હેલ્થ હોસ્પિટલના સાઈકયાટ્રિક સોશિયલ વર્કર અર્પણ નાયકે કહ્યું કે, ડિસ્ચાર્જ બાદ પણ સંગીતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. શિરડીમાં અમે સંગીતાના ભાઈનો સંપર્ક કર્યો પરંતુ પરિવારે સંગીતાને રાખવા માટે આનાકાની કરી કારણે તે અગાઉ ૩ વખત ઘરેથી ભાગી ચૂકી છે. છતાં અમને આશા છે કે તેનો પરિવાર તેને રાખશે.

(3:35 pm IST)