Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

૯૦૦ કરોડની વેટચોરી કૌભાંડની તપાસના પોલીસ ઇન્સ્પેકટર શેખને ભાગેડુ જાહેર કરાતા ખળભળાટ

જાણીતી પાન મસાલા કંપનીની સીઆઇડી તપાસમાં કરોડોની લાંચ માટે એક સિનીયર આઇપીએસ શંકાના પરિઘમાં આવેલ : મામલતદાર બાદ પીઆઇ કક્ષાના અધિકારી સામે ફરારી વોરન્ટ કાઢી એસીબી વડા કેશવકુમારે દાખલો બેસાડયો

રાજકોટ, તા., ૧૩: ૯૦૦ કરોડની જાણીતી પાન મસાલા કંપનીના વેટ ચોરી કૌભાંડમાં જેમના પર ર કરોડની લાંચ લેવાનો આરોપ હતો અને જે મામલામાં એક સીનીયર કક્ષાના આઇપીએસ અધિકારી શંકાના પરીઘમાં આવેલ તેવા રાજયભરમાં  ચકચારી પ્રકરણમાં એસીબી દ્વારા આ કામના  જે તે સમયના તપાસનીસ એવા સસ્પેન્ડ પીઆઇ આઇ.આઇ.શેખને ભાગેડુ જાહેર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

કરોડોની વેટચોરી કૌભાંડની તપાસ આઇ.આઇ.શેખ સીઆઇડી ક્રાઇમના પીઆઇ તરીકે ચલાવતા હતા. તપાસ દરમિયાન સમગ્ર મામલો રફેદફે કરવા એક ઉચ્ચ કક્ષાના સિનીયર આઇપીએસ અધિકારીના નામે ર કરોડની લાંચ માંગ્યાનો આરોપ હતો. સદરહુ અધિકારી સામે પુરતા પુરાવા હોવાથી જે તે સમયના ડીજીપીએ તેમને સસ્પેન્ડ કરી અમદાવાદ હેડ કવાર્ટર નક્કી કરવામાં આવેલ.

ત્યાર બાદ તત્કાલીન સીઆઇડી ક્રાઇમના ઇન્સ્પેકટર આઇ.આઇ.શેખ સામે સીઆરપીસી કલમ-૭૦ મુજબ ધરપકડનું વોરન્ટ પણ બહાર પાડી તેની બહોળી પ્રસિધ્ધી કરવા છતાં એસીબીના સર્ચમાં તેઓ મળી ન આવતા અંતે તેઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા મામલતદાર કક્ષાના અધિકારીને કલેકટર મારફત ભાગેડુ જાહેર કર્યા બાદ હવે પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીને ભાગેડુ જાહેર કરી એસીબી વડા કેશવકુમારે હિંમતભર્યુ પગલુ ભરી દાખલો બેસાડયો છે.

(1:27 pm IST)