Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી : એન્જિનિયરીંગની ગજબની કમાલ : કેસ સ્ટડીના અજબ તારણો

સરદાર સરોવર ડેમની દક્ષિણ દિશામાં સાધુ બેટ પર દુનિયાની સૌથી ઊંચી પ્રતિભા - સ્ટેચ્યુ ઓફ યુનિટી

સરદાર સરોવર ડેમની દક્ષિણ દિશામાં સાધુ બેટ પર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. પ્રતિમાની ઊંચાઈ ૧૮૨ મીટર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે ઓળખાતો આ પ્રોજેકટ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટે હાથ ધર્યો છે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના એન્જિનિયરિંગના પાસાને સમજવું રસપ્રદ થઈ પડે તેમ છે. શરૂઆત કરીએ પાયાથી. કોઈ પણ સ્ટ્રકચરની ઊંચાઈ તેના બેઝ(પાયા)થી ગણાય. જો બેઝથી ગણવામાં આવે તો આ પ્રતિમાની ઊંચાઈ ૧૮૨ મીટર છે, જેમાં ૧૫૭ પ્રતિમાની અને ૨૫ મીટર ઊંચાઈ પેડસ્ટલની છે. અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં તે બમણી ઊંચાઈ ધરાવે છે. (સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં પણ પેડસ્ટલ છે). આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટમાં મુખ્ય કામની કોન્ટ્રેકટ અમાઉન્ટ રુ. ૨,૩૩૨ કરોડ છે અને કુલ આશરે રુ. ૩,૦૦૦ કરોડના ખર્ચ થયો છે.

ભૂકંપ આવે તો શું?

આ પ્રકારની ડિઝાઇનમાં મુખ્યત્વે સ્ટ્રકચરનું વજન, વિન્ડલોડ, ધરતીકંપ, પૂર અને પવનની અસર જેવાં પાસાં પર ધ્યાન અપાય છે. ૬૭,૦૦૦ મેટ્રિક ટન જેટલું વજન ધરાવતી આ પ્રતિમા માટે ધરતીકંપ કરતા પવન વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

એટલે જ અહીં સામાન્ય કોડની જોગવાઈ કરતા +1 એટલે કે એક લેવલ ઉપરનો લોડ ગણવામાં આવ્યો છે. જેમ કે, સાઈટ ધરતીકંપના Zone-III માં પડે છે, તેથી અહીં Zone -IV પ્રમાણે ડિઝાઇન લોડ ગણાયો છે. ધરતીકંપ સામેના રક્ષણમાં અગત્યની પુરવાર થતું 'ડકટાઇલ ડિટેઇલિંગ' પણ કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં સ્ટ્રકચરને ધરતીકંપથી કોઈ તકલીફ થાય તેવી શકયતા લાગતી નથી. સિવાય કે આટલા બધા ગળણે ગળાઈને ફાઇનલ થયેલી ડિઝાઇનમાં અજાણ્યે કોક દોષ રહી ગયો હોય.

ફાઉન્ડેશન ડિઝાઇન માટે અન્ય જિઓટેકનિકલ સર્વે ઉપરાંત લીડાર ટેકનોલોજીથી સાઇટ સર્વે કરવામાં આવ્યો છે. આ સાઇટનું તળિયું મુખ્યત્વે ફ્રેકચર ધરાવતા રોકનું છે. જેમાં કવાર્ટ્ઝ, માઇકા, અને અન્ય તત્ત્વો ભળેલાં જોવાં મળ્યાં હતાં. ફાઉન્ડેશન માટે નજીક આવેલા ડેમને નુકસાન ન થાય એ હેતુથી કન્ટ્રોલ બ્લાસ્ટિંગ વડે લગભગ ૪૫ મીટર (ભૂમિપૂજન માટે જમીનથી લગભગ ૧૫ બેઝમેન્ટ જેટલું ઊંડું ઊતરવું પડે એમ સમજોને!) ખોદકામ કરવામાં આવ્યું.

આ પછી વોટર જેટિંગ વડે સંપૂર્ણ સફાઈ કરીને પ્રતિમાનું ફાઉન્ડેશન નાખવામાં આવ્યું. ફાઉન્ડેશનની આસપાસ વિશાળ સાઈઠ ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વોલ બાંધવામાં આવી છે. ફાઉન્ડેશન રાફટ પ્રકારનું છે, જેમાં આખા ખાડામાં ૩.૫ મીટર ઊંચું (એક માળ જેટલું) કોંક્રીટ પાથરવામાં આવ્યું છે!

ફાઉન્ડેશન નદીના વહેણમાં ધોવાઈ ના જાય એના માટે રીવર પ્રોટેકશન વર્ક પણ કરાયું છે. ધરતીકંપ જેટલું જ જોખમ પવનનું પણ કોઈ પણ ઊંચા સ્ટ્રકચરની ડિઝાઈન માટે વિન્ડલોડ સૌથી અગત્યનો ગણાય છે. વિન્ડલોડ પ્રતિમા ઉપર ૯૦ ડિગ્રીના એન્ગલથી લાગે ત્યારે પ્રતિમાને મૂળમાંથી ઉખાડીને ફેંકી દઈ શકે છે. આથી વિન્ડલોડ માટેની ડિઝાઇનમાં સ્ટ્રકચરની સ્થિરતા, મજબૂતાઈ અને વપરાશને પ્રતિકૂળ અસર ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડે. અહીં નદીમાં વહેતો પવન વિન્ડટનલ ઇફેકટ ઊભી કરે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે.

વિન્ડલોડની સ્ટ્રકચર પર કેવી અસર થાય તેનું મોડલિંગ કરવાનું કામ સહેલું નથી. તેથી જ તેનો અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય આઇકોનિક પ્રોજેકટસ માટે ટેસ્ટ કરનાર આર. ડબ્લ્યુ. આઈ. ડી (RWID) કંપનીને રોકવામાં આવી હતી. જેણે મોડલ પર બાઉન્ડ્રી લેયર વિન્ડટનલમાં એરોઇલાસ્ટિક ટેસ્ટિંગ કરીને ડિઝાઇનર્સને પોતાનાં તારણો આપ્યાં હતાં. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ૬૦ મીટર પ્રતિ સેકન્ડ વિન્ડલોડ ખામી શકે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્રતિમાના સ્ટ્રકચરમાં છાતીનો ભાગ વિશાળ અને પગ પાતળા હોય.

આમ સ્ટ્રકચરની રીતે આ અનિયમિત આકાર છે. જેથી આટલી જ ઊંચાઈ ધરાવતી ચીમની કે સાઇલો પ્રોજેકટની સરખામણીમાં ડિઝાઇનનું આ કામ વધારે અઘરું છે. ઊંચાઈ અને પહોળાઈના ગુણોત્તરને 'સ્લેન્ડરનેસ રેશિયો' કહેવાય. જે અહીં ઊંચો છે, તેથી નોર્મલ ડિઝાઇન કરતાં વધુ મહેનત કરવી પડે. આ જ કારણે ફાઉન્ડેશન ડિઝાઇન પણ વધુ ચેલેન્જિંગ બની જાય.

સ્ટેચ્યૂનું મુખ્ય સ્ટ્રકચર બે ઓવલ આકારની કોરવોલથી બનેલું છે જેની ઊંચાઈ ૧૫૨ મીટર જેટલી છે. સ્ટેચ્યૂના બે પગના ભાગનો ઉપયોગ કોરવોલ તરીકે કરવામાં આવ્યો છે. મુંબઈમાં અત્યારે બની રહેલા સ્કાયસ્ક્રેપર્સ માટે મોટે ભાગે કોરવોલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અહીં ઓવલ સિલિન્ડર શેપની કોરવોલ ઊંચાઈમાં સીધી હોય છે. એની જાડાઈ ૮૫૦ મીમીથી ઉપર જતા ઘટીને ૪૫૦ મીમી જેટલી થાય છે. કોરવોલ્સમાં ઇન્સર્ટ પ્લેટ મૂકીને તેની સાથે સ્ટીલ સ્ટ્રકચરની સ્પેસ-ફ્રેમ જોડવામાં આવી છે. આ સ્પેસ-ફ્રેમ પર પૂતળાને આકાર આપતી બ્રોન્ઝની પેનલો ફિકસ કરવામાં આવી છે.

આમ તો કોરવોલની ડિઝાઇન અનુભવી સ્ટ્રકચરલ ડિઝાઇનરો માટે કોઈ મોટી વાત નથી, પરંતુ અહીં આખું પૂતળું અનિયમિત વિન્ડલોડ અનુભવે છે. આ પ્રકારના લોડ માટે કોરવોલમાં આડી દીવાલો સ્ટેગર્ડ (એક સરખી નહીં એવી) કરવામાં આવી છે. આ લોડ પેનલો સ્પેસ-ફ્રેમ દ્વારા કોરવોલ પર ટ્રાન્સફર થાય છે અને કોરવોલથી ફાઉન્ડેશન પર. કોરવોલ સેલ્ફ કલાઇમ્બિંગ ફોર્મ-વર્ક દ્વારા બાંધવામાં આવે છે. જે બાંધકામની સ્પીડ ખૂબ જ વધારે છે. ઉપરાંત ટેકનોલોજીના ઉપયોગથી સારી કવોલિટીનું કોન્ક્રીટ શકય બને છે.

આવા આઇકોનિક પ્રોજેકટની ડિઝાઇન લાઇફ ઓછામાં ઓછી સો વર્ષની તો હોય જ છે. એ જોતાં ડયૂરેબલ કોન્ક્રીટ ડિઝાઇન થાય એ પણ એટલું જ જરૂરી છે નહીંતર ૧૦-૧૫ વરસમાં કાટ લાગવાની શરૂઆત થઈ જાય અને પછી કોન્ક્રીટ સાથે કનેકટેડ સ્ટ્રકચર્સ તૂટવા લાગે. સામાન્ય રીતે આપણે જે બાંધકામો ૪૦૦-૫૦૦ વર્ષથી ઊભેલા જોઈએ છીએ. તેમાં ભાગ્યે કોઈ જગ્યાએ કોન્ક્રીટ કે સ્ટીલ વપરાયું છે.

જયારે આ પ્રોજેકટમાં તો ૨૨,૫૦૦ મેટ્રિક ટન સિમેન્ટ, ૫,૭૦૦ મેટ્રિક ટન સ્ટ્રકચરલ સ્ટીલ (ગર્ડર, એન્ગલ વિ.) અને ૧૮,૫૦૦ ટન સળિયા વપરાયા હોવાનો અંદાજ છે.

જોકે, આ સ્ટીલ એક અનિવાર્ય અનિષ્ટ છે. સ્ટીલનો ગુણધર્મ કાટ લાગવાનો છે. સારું કોન્ક્રીટ કરવામાં આવે તો સળિયાને કાટ લાગવાની ક્રિયા ધીમી જરૂર થાય, પણ સમય જતા કોઈ પણ કોન્ક્રીટમાં રહેલા સળિયા કટાય તો ખરા જ અને વખત જતા કોન્ક્રીટને તોડી નાખે. અહીં આવું ના થાય તે માટે અહીં M65 ગ્રેડનો કોન્ક્રીટ છે. M65 એટલે ૬૫ મેગા પાસ્કલ તાકાત, સામાન્ય બિલ્ડિંગમાં M20 ગ્રેડ નાખવામાં આવે છે.

પ્રતિમાને મુખ્ય આકાર આપતી ૧૮૫૦ ટન વજનની ૧૨,૦૦૦ બ્રોન્ઝ પેનલ્સ ચાઇનામાં બની એનો રાજકીય વિવાદ થયો હતો. દરેક પેનલ આમ તો જરૂરીયાત મુજબની સાઇઝની બનાવવામાં આવે, છતાં સ્ટાન્ડર્ડ પેનલ આશરે ૫ * ૬ મીટરની બની છે. ત્રિપરિમાણમાં કયાંય સીધો આકાર ન હોય એવી પેનલનું કામ ઘણું ઝીણવટભર્યું અને ચોકસાઈ માંગી લે એવું હોય છે જે સીએનસી મશીનથી થાય છે.

આમ તો ભારતમાં આ પેનલ કાસ્ટ ના થઈ શકે એવું નથી પરંતુ કેટલું ફાસ્ટ થાય એ સવાલ ચોક્કસ થાય. આ પેનલ ઊભી કરવાનું કામ પણ બહારથી સ્ટેજિંગ (માંચડો) બનાવ્યા વગર કરવામાં આવ્યું એ એલએન્ડટી ટીમની એક મહત્ત્વની સિદ્ઘિ ગણી શકાય. એકંદરે દુનિયાના સર્વશ્રેષ્ઠ ભેજાઓ દ્વારા સફળ રીતે પાર પડેલા દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેકટને દરેક રીતે ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરો કરવામાં કોઈ કસર છોડાઈ નથી. આ પ્રોજેકટ ટુરિસ્ટ માટે તો મોટું આકર્ષણ બનશે જ, પણ ટેકનિકલ નિષ્ણાતો માટે પણ આ પ્રોજેકટનું પ્લાનિંગ, ડિઝાઇનિંગ, અને પ્રોજેકટ મેનેજમેન્ટ એક કેસસ્ટડી છે.(૨૧.૧૯)

દુનિયાની ટોચની કંપનીઓ સામેલ

-  ૨૦૧૨- ૧૩માં પ્રોજેકટની શરુઆત થઈ હતી. ઓગસ્ટ, ૨૦૧૨માં  પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (પીએમસી)ની નિમણૂક થઈ.

-  આ માટે 'ટર્નર કન્સલ્ટન્ટ'ની પસંદગી થઈ. આ એ કંપની એ જ દુબઈના પ્રખ્યાત બુર્જ ખલીફા પ્રોજેકટનું અમલીકરણ કરેલું.

-  પીએમસીની ભૂમિકા કોન્ટ્રાકટરને એપોઈન્ટ કરવાની, કન્સ્ટ્રકશન મેથડોલોજી ચકાસીને મંજૂર કરવાની, રોજબરોજના સુપરવિઝનની, ગુણવત્તા ચકાસણીની અને સલામતીના જાળવણીને પ્રમાણિત કરવાની હોય છે.

-  ૨૦૧૪માં એન્જિનિયરિંગ, પ્રોકયોરમેન્ટ અને કન્સ્ટ્રકશન(ઈપીસી) બેસિસ પર લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને કામ સોંપાયું.

-  ઈપીસીમાં ડિઝાઇન, વસ્તુઓની ખરીદી અને બાંધકામ એક જ એજન્સીએ કરવાનું હોય છે.

-  ઈપીસીનો કોન્ટ્રેકટ અપાય ત્યારે કોન્ટ્રાકટરની ડિઝાઇન કરવાની ક્ષમતાને પણ ધ્યાને લેવામાં આવે છે.

-  L&T એ પ્રોજેકટ ડિઝાઈન માટે પોતાની ઈન-હાઉસ ડિઝાઇન કંપની ઉપરાંત આર્કિટેકટ વુડ્ઝ બેગટ અને સ્ટ્રકચર માટે અરુપ ઈન્ડિયાને ટીમમાં લીધા.

-  ડિઝાઇન ચેક કરવાની જવાબદારી એજિસ ઈન્ડિયા અને ટાટા કન્સલ્ટન્ટ એન્ડ એન્જિનિયર્સને સોંપાઈ. આ કામને પ્રૂફ કન્સલ્ટન્સી કહે છે.

-  પ્રૂફ કન્સલ્ટન્ટ ડિઝાઈન ફિલોસોફીથી માંડીને બીમ અને કોલમની સાઈઝના ડિઝાઇન સ્ટેપ્સ ચેક કરી અપ્રૂવ કરે છે.

-  સરદાર સરોવર નિગમે અમેરિકાની આર્કિટેકટ ફર્મ - 'માઇકલ ગ્રેવ્સ' અને 'મીનહાર્દટ' ઇન્ટીગ્રેટેડ ડિઝાઇન ટીમમાં સામેલ કર્યા.

-  જેમનું કામ પ્રોજેકટના ટેકનિકલ પાસાં ચકાસવાનું હતું. આ ઉપરાંત નિગમ, પીએમસી અને કોન્ટ્રાકટર દ્વારા નાના-મોટા થઈ ત્રીસેક કન્સલ્ટન્ટ રોકવામાં આવ્યા, જે સંબંધિત ક્ષેત્રોના તજજ્ઞો હતા.

-  જેમનો રોલ સાઈનેજ ડિઝાઇનથી માંડીને ૧૦૦ વર્ષની ફલડ સાઇકલના હાઇડ્રોલોજિકલ સર્વે કરવાનો હતો.

-  સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કામમાં ફાઉન્ડેશન અને પ્રતિમાનું કામ એમ બે મુખ્ય ભાગ પડે છે.

-  શરૂઆત ફાઉન્ડેશનથી થાય, પછી મેઝેનાઈન લેવલ આવે એ પછી સ્ટેચ્યૂનો બેઝ આવે.

-  ત્યાર પછી ઇન્ટરમિડિયેટ લેવલ અને કોર વોલ આવે. આ કોર વોલ પૂરી થાય એ વ્યૂઇંગ ગેલરી બનાવવામાં આવી છે.

-  જેની ક્ષમતા ૨૦૦ લોકોનો સમાવવાની છે. (આ ગેલરીમાંથી વડા પ્રધાને પાડેલા ફોટા આપણને ઉદ્ઘાટનના દિવસે જોવા મળશે!)

: આલેખનઙ્ગઃ

સુરેશભાઈ સંઘવી

આર્કિટેકટ,

રાજકોટ

મો. ૯૯૨૫૦૦૯૯૬૬

 

(11:26 am IST)