Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સુપ્રીમ કોર્ટે ફગાવી ચુડાસમાની અરજી : ચૂંટણીમાં મળેલી જીત પર થશે સુનાવણી

કોંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં કરી હતી અરજી : ચૂંટણી જીતવા ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ

અમદાવાદ તા. ૧૩ : રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીઓમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે તેમની વિરુદ્ઘ હાઈકોર્ટમાં થયેલી પીટિશનને ફગાવી દેવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. કોંગ્રેસના ધોળકાના ઉમેદવારે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ચુડાસમાની નજીવા વોટ દ્વારા થયેલી જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી.

પાછલા મહિને ગુજરાત હાઈકોર્ટે ચુડાસમાની અરજી રદ કરી હતી, જેના કારણે તેમણે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું. ન્યાયમૂર્તિ એ.કે સિકરી અને ન્યાયમૂર્તિ આર. એસ રેડ્ડીની બનેલી ખંડપીઠમાં સોમવારે તેમની અરજી ફગાવી દેવામાં આવી. જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડની ચુડાસમાના ૩૨૭ વોટ દ્વારા જીતના પડકારને ટ્રાયલનો માર્ગ મોકળો બન્યો છે. જેમાં એવું માનવામાં આવે છે કે આ વિજય ગેરરીતિ પૂર્વક થયો છે.

હાઈકોર્ટે એમ કહેતા ચુડાસમાની અરજી રદ કરી હતી કે, રાઠોડના અરજીમાં રહેલા ત્રણ આરોપોની તપાસ થવી જોઈએ. રાઠોડે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ચુડાસમાનો વિજય માત્ર ૩૨૭ વોટોથી થયો છે. જયારે ચૂંટણી અધિકારીએ રહસ્યમયી રીતે ૪૨૯ જેટલા વોટ પોસ્ટલ બેલેટ દ્વારા નકારી કાઢ્યા હતા. આમ નકારેલા વોટોની સંખ્યા વિજય કરતા વધારે છે.

રાઠોડે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી સમયે કોડ ઓફ કન્ડકટ લાગુ કરાયા બાદ ધોળકાના ડેપ્યુટી કલેકટર ગૌરાંગ પ્રજાપતિને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. તેમના સ્થાને ધવલ જાનીને લાવવામાં આવ્યા, જેનો હેતુ ચુડાસમાને ચૂંટણી જીતાડવાનો હતો.

ત્રીજા આરોપમાં કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે, ધોળકામાં વોટિંગ કાઉન્ટીંગની પદ્ઘતિમાં ચૂંટણી અધિકારીઓએ ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. જે મુજબ સૌ પ્રથમ બેલેટ પેપર કાઉન્ટિંગ થવા જોઈએ અને બાદમાં EVM. જયારે અહીં ચૂંટણી અધિકારીઓએ સૌ પ્રથમ EVM વોટ્સ ગણવાનું શરૂ કર્યું જેથી જાણ થઈ કે કોંગ્રેસ અને બીજેપીના ઉમેદવાર વચ્ચે વોટોનું અંતર ઓછું છે, ત્યાર બાદ બેલેટ બોકસ ખોલવામાં આવ્યા.

(11:23 am IST)