Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વડનગરમાં હવે રેલ્વે સ્ટેશન નજીક અને તારંગા તળાવ આસપાસ જુના વારસાને બહાર લાવવા સંશોધન

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હોમટાઉન વડનગરમાં વધુ નવી જગ્યાઓ પર ખોદકામ શરૂ થવા જઈ રહ્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની 5મી બ્રાન્ચે 2018-19ની સીઝન માટે ખોદકામનો વિસ્તાર વધાર્યો છે.

હાલમાં વડનગરમાં શર્મિષ્ઠા તળાવ પાસેથી મળી આવેલા સુપર સ્ટ્રક્ચર બાદ ASIએ રેલવે સ્ટેશન નજીક ખોદકામ કરવાનું નક્કી કર્યું છે. જ્યારે વડનગરથી 5 કિમી દૂર આવેલા તારંગા તળાવના પરિઘમાં તારંગા હીલની સંસ્કૃતિ અને વારસાને બહાર લાવવા માટે અન્ય એક ટીમ કામ કરી રહી છે.

પુરાતત્વવિદ ડો. અભિજીત આંબેકરના નેતૃત્વ હેઠળ કામ કરી રહેલી ઉત્ખનન ટીમ વડનગરના સાંસ્કૃતિક વારસાને શોધવાનું કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ પ્રાચીન શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલા કેટલાક એવા સ્થળોમાંથી એક છે, જ્યાં 2100 વર્ષ જૂના અવશેષો સારી હાલતમાં મળી આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે શહેરમાં ઉછર્યા છે તે લાઈમલાઈટમાં ત્યારે આવ્યું જ્યારે દશકા પહેલા રાજ્યના પુરાતત્વ વિભાગને ઘાસ્કોલ વિસ્તારમાં ડો. વાય.એસ રાવતના નેતૃત્વમાં બૌધ મઠ મળી આવ્યો હતો.

2015માં ASIએ વધુ ખોદકામ હાથ ધરીને વધુ મઠ શોધવા માટે કાર્ય શરૂ કર્યું હતું. સાતમી સદીમાં ભારત આવેલા ચીનના પ્રવાસી હ્યુએન ત્સંગે હિનાયા સંપ્રદાયના 1000 બૌદ્ધ સાધુઓનો ઉલ્લેખઓનાન તો પુ લોમાં કર્યો હતો જે આનંદપુરમાં હોવાનું મનાય છે. આનંદપુર વડનગરનું જૂનું નામ છે.

ASIના સીનિયર અધિકારીએ જણાવ્યું કે, પાછલા ત્રણ વર્ષમાં ઘણી બધી વસ્તુઓ શોધાઈ છે. શર્મિષ્ઠા તળાવના તટ પાસે પાંચમી સદીનું 50 મીટર લાંબું અને 25 મીટર પહોળું બાંધકામ મળી આવ્યું છે. તો ઘાસ્કોલ વિસ્તારમાં મઠ હોવાનું મનાતા બે સ્થળો મળી આવ્યા છે. શહેરમાં ખોદકામ દરમિયાન ક્ષત્રાપા, સોલંકી, સલ્તનત અને મરાઠા જેવા જુદા જુદા શાસકો વિશે માહિતી મળી છે.

(5:01 pm IST)