Gujarati News

Gujarati News

News of Friday, 13th October 2023

ધો.૧૦માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ હવે ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે

વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નિર્ણય

અમદાવાદ, તા.૧૩: મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે રાજ્‍યના વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં ધોરણ ૧૦માં અનુર્તીણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્‍યાએ ત્રણ વિષયો અને ધો-૧૨ સામાન્‍ય પ્રવાહમાં અનુર્તીણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી કરવામાં આવશે.

પીએમ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્‍યુકેશન પોલિસી ૨૦૨૦ અન્‍વયે આ નિર્ણયો સીએમની અધ્‍યક્ષતામાં યોજાયેલી ઉચ્‍ચસ્‍તરીય બેઠકમાં કરવામાં આવ્‍યા હતા. શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્‍યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્‍ય સચિવ રાજકુમાર તેમજ મુખ્‍યમંત્રીના મુખ્‍ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવોની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્‍યા છે.

ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન-જુલાઇ માસમાં યોજવા. ધો-૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્‍છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્‍છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.

ધો-૧૦માં હાલ નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

ધો-૧૨ સામાન્‍ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

ધો-૧૦ અને ધો-૧૨ સામાન્‍ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્‍નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે તેને બદલે ૩૦ ટકા અને વર્ણનાત્‍મક પ્રશ્‍નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે એટલું જ નહીં વર્ણનાત્‍મક પ્રશ્‍નોમાં આંતરિક વિકલ્‍પને બદલે તમામ પ્રશ્‍નોમાં જનરલ વિકલ્‍પ અપાશે.

ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ પ૦ ટકા વર્ણનાત્‍મક પ્રશ્‍નોમાં આંતરિક વિકલ્‍પને બદલે તમામ પ્રશ્‍નોમાં જનરલ વિકલ્‍પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્‍યો હતો.

(12:01 pm IST)