Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજ્યના 8 મનપા અને ન.પા. માં ફાયર સેફટી એકટનું કડક પાલન કરાવો: હાઇકોર્ટની સરકારને આકરી ટકોર

સમયસર સરકારે ફાયર સેફટી એકટનું પાલન કરાવું જરૂરી: ફાયર NOC વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરો : મોટા શહેરોમાં આગ લાગવાની ઘટનાઓ બનવાની શક્યતા વધુ :રાજ્યમાં ફાયર સેફટીના અમલીકરણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં28મી વધુ સુનવણી

અમદાવાદ : રાજ્યમાં ફાયર સેફટીના અમલીકરણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં કોર્ટે મહત્વની બાબત નોંધી છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને ટકોર કરી છે કે, ફાયર NOC વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નિશ્ચિત સમય મર્યાદામાં ઝડપથી આ કામગીરી કરવામાં આવે.

હાઇકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું, મોટા શહેરોમાં આગ લાગવાની ઘટનાઓ બનવાની શક્યતા વધુ રહેલી છે. જેથી સરકારે પ્રાયોરીટી નક્કી કરી, તે દિશામાં કાર્યવાહી કરવી પડશે. આ મામલે અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, આ પરિસ્થિતિમાં આગ લાગે તો જવાબદારી કોની ગણાશે? જેથી અરજદારે કોર્ટ સમક્ષ અધિકારીઓની જવાબદેહી નક્કી કરવા માટે આદેશ કર્યો.

બીજી તરફ સરકાર તરફથી એડવોકેટ જનરલે પક્ષ મુકતા કહ્યું કે, સરકાર ફાયરસેફ્ટી મુદ્દે હોસ્પિટલ, સ્કૂલ અને વિવિધ ઇમારતોને પ્રાયોરિટી આપી ફાયર સેફટી એન.ઓ.સીની કામગીરી કરી રહી છે. આ ઉપરાંત હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે, લોકોના જાન-માલનું રક્ષણ અને તેની સલામતી માટે 8 મહાનગરપાલિકા વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવે અને નિશ્ચિત સમય મર્યાદામાં ઝડપી કામગીરી કરવામાં આવે. આ બાબતે 28 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

(10:50 pm IST)