Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કોલક નદીથી ૪૮ હજારથી વધુની કિંમતનો દારૂ ઝબ્બે

નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો : બુટલેગરો નદી કિનારે દારૂનો જથ્થો છોડી પરત નદીમાં કૂદી અને દમણ તરફ ફરાર, એલસીબીને સફળતા મળી

વલસાડ,તા.૧૩ : વલસાડ એલસીબી પોલીસે પારડીના કોલક નદી કિનારેથી રૂપિયા ૪૮ હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બુટલેગરો દમણ તરફથી મોટી માત્રામાં વિદેશી દારુનો જથ્થો લઇ કોલક નદીમાં ઉતર્યા હતા. અને નદીમાં તરતાં તરતાં દારૂનો જથ્થો ગુજરાતની હદમાં આવી રહ્યા હતા. એ વખતે જ એલસીબી પોલીસની ટીમ ત્રાટકી હતી. જોકે પોલીસને જોતા જ. બુટલેગરો નદી કિનારે દારૂનો જથ્થો છોડી પરત નદીમાં કૂદી અને દમણ તરફ ફરાર થઈ ગયા હતા. એલસીબી પોલીસે આ કાર્યવાહીમાં રૂપિયા ૪૮ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે છે. દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા વલસાડ પોલીસે રોડ માર્ગે કડક બંદોબસ્ત અને તપાસ હાથ ધરી છે. આથી રોડ માર્ગે દારૂની હેરાફેરી મુશ્કેલ હોવાથી હવે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાની નવી તરકીબો અજમાવતા જોવા મળી રહ્યા છે.

              રોડ માર્ગે પોલીસનો પહેરો કડક બનતા હવે બૂટલેગરો અને ખેપિયાઓ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા હવે  નદી માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. આથી  એલસીબી પોલીસેને બાતમી મળી હતી કે કોલકના  બારિયાવાડના લલકી હળપતિ, લાલી હળપતિ અને આયુશ હળપતિ  નામના બુટલેગરો દમણ  તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે રોડ માર્ગે પોલીસનો પહેરો કડક હોવાથી આરોપીઓ હવે  દમણની હદ પરથી વહેતી કોલક નદીમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી પોલીસને મળેલી આ બાતમીના આધારે એલસીબીની ટીમે કોલક નદી કિનારે વોચ ગોઠવી હતી. એ દરમિયાન ત્રણ બુટલેગરો દમણ તરફથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લઇ કોલક નદીમાંથી ગુજરાત તરફ આવી રહ્યા હતા અને બુટલેગરોએ દારૂના જથ્થાને કોલક નદીના કિનારા પર રાખતા જ પોલીસ ત્રાટકી હતી. જોકે પોલીસને જોતાં આજે બુટલેગરો ફરી પાછા કોલક નદીમાં કૂદી પડયા હતા. અને ફરી નદી પાર કરી દમણની હદમાં ઘૂસી અને ફરાર થઈ ગયા હતા. જો કે વલસાડ એલસીબી પોલીસે બુટલેગર લાવેલા ૪૮ હજારથી વધુના  વિદેશી દારૂના જથ્થાને કબજે કરી  આરોપીઓને ઝડપવા તપાસ તેજ કરી છે.

(9:18 pm IST)