Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ખાનપુર-લીમડિયા હાઈવે પર અકસ્માતમાં ૧૧ લોકો ઈજાગ્રસ્ત

બાંસવાડાના પરિવાર માટે આઠમ ભારે બની : સરકારી હૉસ્પિટલે કલાકની રાહ જોવડાવ્યા પછી પ્રાઇવેટમાં લઈ જવા કહ્યું, સારવાર નહી આપતા જિંદગી જોખમમાં

મહિસાગર,તા.૧૩ : નવરાત્રિના નવા દિવસોમાં રાજસ્થાનના એક પરિવારને મહિસાગર જિલ્લામાં ગમખ્વાર અકસ્મતા નડી ગયો છે. જોકે, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હૉસ્પિટલે એક કલાક સુધી મેદાનમાં ટટળાવ્યા બાદ સારવાર આપવાનો ઇક્નાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે માનવતા મરી પરવારી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ઘટનામાં એક જ પરિવારના ૧૧ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે. ઈજાગ્રસ્તો રાજસ્થાનના બાંસવાડાના હોવાનું કહેવાય છે. બનાવની વિગતો એવી છે રાજસ્થાનના બાસવાડાનો પરિવાર વીરપુર ખાતે ધાર્મિકકાર્યે આવ્યો હતો. દરમિયાન દર્શન કરીને પરત જઈ રહેલા પરિવારનો મહિસાગર જિલ્લાના ખાનપુર-લીમડિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી તવેરા ગાડી ધડામ દઈને ઝાડમાં ઘૂસી જતા બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દરમિયાનમાં આ કારમાં સવાર એક જ પરિવારના ૧૧ સભ્યોને ઈજાઓ પહોંચી હતી. રસ્તા પર ઈજાગ્રસ્ત મહિલાઓને ઢગલાની જેમ જોઈને રૂવાંડા ઊભા થઈ જાય તેવાં દૃશ્યો સામે આવ્યા હતા. દરમિયાન ઈજાગ્રસ્તોને ટેમ્પોમાં ભરી અને ૧૦૮માં લુણાવાડાની કોટેજ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, પરિવારના આક્ષેપ મુજબ આ વ્યક્તિઓને સારવાર માટે એક કલાક રાહ જોવડાવ્યા બાદ સરકારી દવાખાનામાં જગ્યા ન હોવાથી પ્રાઇવેટમાં લઈ જવા કહ્યું હતું. લુણાવાડની સરકારી હૉસ્પિટલમાં જગ્યા નથી એવું કહી અને એક કલાક બાદ ઘાયલ પરિવારને જવાનું કહેતા ૧૧ જિંદગીઓ તરફડતી હોવાનાં દૃશ્યો સામે આવ્યા હતા. પરિવારે ડૉક્ટરો પર ગંભીર આરોપો મૂક્યા હતા. જોકે, પરિવારનાં મતે ખાટલા ન હોય તો પણ પ્રાથમિક સારવાર આપી શકાતી હતી તે પણ ન આપી અને બહાર તડકામાં ઈજાગ્રસ્તોને રાહ જોવડાવી હતી.

 

(7:33 pm IST)