Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વડોદરા નજીક પોર ગામે ભાડે ફેરવવાના બહાને જીપ લઇ છેતરપિંડી આચરનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ

વડોદરા: શહેર નજીકના પોર ગામે રહેતા જીતેન્દ્ર મંગળભાઇ ઠાકોર મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે.જીતેન્દ્ર ઠાકોરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારો ભાઇ હર્ષદ ખેતીકામ કરતો હોય તેને બોલેરો પીકઅપ વાન લાવી આપી હતી.જે ગાડી પર મહિન્દ્રા ફાયનાન્સની લોન કરાવી હતી.મારો ભાઇ અગાઉ મિત્ર યાસિન ગરાસિયા (રહે.માણેજા) સાથે ટ્રાવેલ્સનો ધંધો કરતો હતો.તેથી,બંને એકબીજાના  પરિચયમાં હતા.તેણે મારા ભાઇને કહ્યું હતું કે,મારો મિત્ર અશ્વિન પરસોત્તમભાઇ પટેલ ગાડીઓ લે-વેચનુ તથા ભાડે આપવાનું કામ કરે છે.જો તમારે ગાડી ભાડે આપવી હોય તો સારા પૈસા મળશે.અમે નોટરી રૃબરૃ એક કરાર  તા.૨૫-૦૮-૨૦૨૧ ના રોજ કર્યો હતો.ગાડીના ભાડા પેટે મહિને રૃપિયા ૩૦ હજાર ચૂકવવાનું નક્કી કરી ૧૧ મહિનાનો ભાડા કરાર કર્યો હતો.ત્યારબાદ અમે  કાર અશ્વિનને સોંપી દીધી હતી.પરંતુ,અત્યારસુધી અશ્વિને મને ભાડાના  રૃપિયા આપ્યા નથી કે મારી કાર બાબતે પણ સંતોષકારક જવાબ આપતો નથી.

ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ માંજલપુર પોલીસે આરોપી અશ્વિનને પકડયો હતો.અને તેની  પૂછપરછ  દરમિયાન તે આ રીતે ગાડી ભાડે ફેરવવા લઇ છેતરપિંડી કરતો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.તેની સામે અત્યારસુધી ૧૭ થી ૧૮ ગુનાઓ દાખલ થયા છે.

(5:59 pm IST)