Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગાંધીનગર:વીજ સંકટ વચ્ચે લાઈટો ચાલુ રાખવામાં આવતા કરકસરનો અભાવ

ગાંંધીનગર: કોલસાની અછતને કારણે વીજ સંકટ સમગ્ર દેશ ઉપર તોળાઇ રહ્યું છે આવી સ્થિતિમાં પણ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વીજ ઉપકરણોનો કરકસરભર્યો વપરાશ થતો નથી અને ખાસ કરીને સરકાર દ્વારા જ જે સ્ટ્રીટલાઇટો ફીટ કરવામાં આવી છે તેમાં દિવસે સ્ટ્રીટલાઇટો ચાલુ જોવા મળી રહી છે. મેઇનટેનન્સ અને રીપેરીંગ દરમિયાન ગાંધીનગરની સ્ટ્રીટલાઇટો ચાલુ રાખીને સેંકડો વોલ્ટ વીજળીનો વ્યય કરવામાં આવી રહ્યો છે.  એક બાજુ વીજળીનો વપરાશ વધી રહ્યો છે તો બીજીબાજુ વીજ ઉત્પન્ન કરતા પ્લાન્ટમાં વીજળી પુરતા પ્રમાણમાં બનતી નથી જેના કારણે માંગ સામે પુરવઠાનો સમન્વય નહીં જળવાતા વીજળીની સોર્ટેજ ઉભી થઇ રહી છે. સમગ્ર દેશમાં કોલસો પુરતા પ્રમાણમાં નહીં હોવાને કારણે અને બીજીબાજુ વીજળીનો વપરાશ વધવાને કારણે વીજ સંકટની સ્થિતિ ભારતભર ઉપર તોળાઇ રહી છે.આ વીજ સંકટને કારણે ઉત્તરભારતના ઘણા એકમો બંધ પણ કરવામાં આવ્યા છે અને સ્થાનિક તંત્ર દ્વારા વીજળીનો કરકસરભર્યો વપરાશ થાય તે માટેના નિયમો પણ બનાવીને તેનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં અવળી જ ગંગા વહી રહી હોય તેમ લાગે છે. રાષ્ટ્રવ્યાપી આ સંકટથી જાણે ગાંધીનગર બાકાત હોય તે રીતે પાટનગરમાં સ્ટ્રીટલાઇટો દિવસે પણ ચાલુ જોવા મળે છે તો સાંજના સમયે હજુ તો અંધારૃ પણ ન થયું હોય ત્યારે આ લાઇટો ઓન કરી દેવામાં આવે છે.  ગાંધીનગર શહેરના મુખ્ય તથા આંતરિક માર્ગો ઉપર જે સ્ટ્રીટલાઇટો ફીટ કરવામાં આવી છે તેના મેઇનટેનન્સ તથા રીપેરીંગની કામગીરી સતત ચાલતી રહેતી હોય છે. તંત્રની સ્ટ્રીટલાઇટ રીપેર કરતી ગાડી તથા કર્મચારીઓ સેક્ટરોમાં રાત્રે મોનીટરીંગ કરતા જોવા મળે છે આ કર્મીઓ દ્વારા દિવસે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જે દરમિયાન તે વિસ્તારની તમામ સ્ટ્રીટલાઇટો ચાલુ રાખવામાં આવે છે જેના કારણે અહીં સેંકડો કિલો વોલ્ટ વીજળીનો વ્યય થાય છે તેના બદલે જે સ્ટ્રીટલાઇટમાં પ્રોબ્લેમ હોય તેનો સપ્લાય શરૃ કરીને આ રીપેરીંગ કામ હાથ ધરાય તો વીજ પુરવઠો બચાવી શકાય.

(5:47 pm IST)