Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતો દારૂનો જથ્થો પોલીસે ઝડપી વાહન ચાલકની ધરપકડ કરી

બનાસકાંઠા:જિલ્લામાં રાજસ્થાન તરફથી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ વધી છે. જેમાં આજે પોલીસે બાતમીના આધારે વિવિધ જગ્યાએ નાકાબંધી કરી ત્રણ સ્થળોએથી દારૂ ભરેલા વાહનો ઝડપી લઈ ૨૩૫૨ બોટલ દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે ત્રણ ઘટનાઓમાં એક જ વાહન ચાલક ઝડપાયો છે. 

બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચંડીસર નજીક દારૂ ભરીને પસાર થઇ રહેલી એક કારમાંથી ૩૪૭ બોટલ વિદેશી દારૂ કિંમત રૂા. ૧.૩૭ લાખનો મળી આવ્યો હતો. જ્યારે ધાનેરાના મગરાવા ચાર રસ્તા પાસેથી ઝડપાયેલી કારમાંથી ભારતીય બનાવટનો ૩૦૫ બોટલ દારૂ કિંમત રૂા. ૧.૨૧ હજારનો મળી આવ્યો હતો. જ્યારે અમીરગઢ તાલુકાના ઝાંઝરવા ગામના પાટીયા પાસેથી ઝડપાયેલી એક કારમાંથી બીયર અને વિદેશી દારૂની ૧૭૦૦ બોટલ કિંમત રૂા. ૨.૬૦ લાખનો ઝડપાયો હતો. આ ત્રણેય ઘટનામાં બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારૂની હેરાફેરી કરનાર વાહનોને આંતરવા અને અટકાવવા માટે ફિલ્મી સ્ટાઈલથી પીછો કરી આ ઓપરેશન પાર પાડયા હતા. જોકે માત્ર ધાનેરાના કેસમાં કાર ચાલક જગદીશભાઈ બાબુભાઈ વિશ્નોઈ, રહે. સાંકડ, તા.સાંચોર, રાજસ્થાનવાળાને પકડી લેવામાં સફળતા મળી હતી ત્યારે અન્ય બે કેસમાં કારચાલકો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ત્રણેય ગુનામાં દારૂ અને વાહનો સહિત કુલ રૂા. ૧૮,૧૯,૩૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી જે તે પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવેલ છે. 

(5:46 pm IST)