Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સરકારી નોકરી શોધતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્‍સોઃ મહેસાણા સહિતના જીલ્લામાં 33 લોકોને એસટી વિભાગમાં નોકરી આપવાની લાલચ આપીને લાખોની છેતરપિંડીઃ 2 ઝડપાયા

સેકસન ઓફિસર હોવાનું કહીને પગાર સ્‍લીપ બતાવીને 59 લાખનો ચુનો ચોપડયો

મહેસાણા: સરકારી નોકરીની શોધ કરતા યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો મહેસાણા જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં મહેસાણા જિલ્લા અને અન્ય જિલ્લાના કુલ 33 લોકોને એસટી વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ ઠગાઈ કરનારા બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

મહેસાણા જિલ્લા તેમજ પાટણ જિલ્લાના 33 લોકોને બે ઈસમોએ સરકારી નોકરીની લાલચ આપી લાખો ની ઠગાઈ આચરી છે.આ બે ઈસમોએ પોતે નરોડા સેન્ટર ઓફિસ એસટી વિભાગ અમદાવાદ ખાતે સેક્સન ઓફિસર હોવાનું કહી અને ખોટી પગાર સ્લીપ બતાવી 33 લોકો પાસેથી કુલ રૂપિયા 59 લાખથી વધુની છેતરપીંડી આચરી છે. જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર મામલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એસ.ડી.રાતડા અને તેમની ટીમે સમગ્ર મામલે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી અને  આ દરમિયાન આ કેસના બે આરોપી રાકેશ જયંતિ પટેલ અને લલિત કેશવલાલ મકવાણા નામના બે ઈસમો એક સ્વીફ્ટ ગાડીમાં સવાર થઈને જઇ રહ્યા હતા. ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના સોમનાથ ચોક પાસેથી ઝડપી પાડ્યા છે. આ મામલે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. વધુ તપાસ મામલે ઝડપાયેલા બે આરોપીઓને વિસનગર તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યાં છે.

સેવાળા ગામના ઠગ રાકેશ પટેલે અમદાવાદ તેમજ મહેસાણા એસટી ડેપો આગળ બોલાવી લલિત કેશવલાલ મકવાણાની ડેપો મેનેજર તરીકે ઓળખ આપી બેઝ નંબર, નંબર પ્લેટ, ખાખી યુનિફોર્મ સીવડાવી, ટેલીફોનથી મૌખિક પરીક્ષા લઇ ખોટા નિમણૂંક હુકમો બનાવી આપ્યા હતા.જો કે મયુરભાઇ પ્રજાપતિ સહિત દેણપ ગામના યુવાનોને હુકમના લેટર બાબતે શંકા જતાં તેમણે અમદાવાદ ખાતે નિગમના મધ્યસ્થ કાર્યાલય વિભાગમાં તપાસ કરી હતી.

જ્યાં આવો કોઈ વ્યક્તિ સેક્શન ઓફિસર નહીં હોવાનું જાણવા મળતાં તેમની સાથે ઠગાઇ થયાનું બહાર આવ્યું હતું.છેતરાયેલામાં મહેસાણાના દેણપ, અંબાવાડા, ખટાસણા, ટુંડાવ, ઉમતા, ઊંઝા, હાજીપુર, જેતલવાસણા, સેવાલિયા, જેતપુર, ઐઠોર, કેલીસણા, ખીલોડ અને મહેસાણા સહિત 14 ગામના 32 તેમજ પાટણના ખળી, વાંકરી અને કુડેરના 3 શખ્સોનો સમાવેશ થાય છે.

મહેસાણા અને પાટણ જિલ્લાના અન્ય તાલુકાના યુવાનોને એસ.ટી વિભાગમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવમાં ઝડપાયેલ બંને આરોપીઓને વિસનગર તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરતાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે પુછપરછ હાથ ધરી છે.જે બાદ આ કેસમાં હજુ નવા ખુલાસા થવાની શકયતા છે.

(4:47 pm IST)