Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાડા ત્રણ વર્ષના બાળકને દુર્લભ બિમારીઃ ચાની કીટલીના ધંધાર્થી પિતાને પ કરોડનો ખર્ચ!!

આણંદ, તા., ૧૩: આણંદમાં ચાનો ગલ્લો ચલાવતા જીજ્ઞેશ ડોડીયાના સાડા ત્રણ વર્ષના પુત્ર નક્ષને વિચિત્ર બિમારી લાગુ પડી છે. દિન-પ્રતિદિન તેના હાથ-પગ સુકાઇ રહયા છે, પાતળા પડી રહયા છે. હાલવા-ચાલવા-બેસવાની તકલીફ અનુભવી રહેલા  આ માસુમ માટે અનેક તબીબોનો અભિપ્રાય અને દવાઓ કર્યા છતાં કોઇ ફર્ક પડયો ન હતો. અંતે નક્ષના લોહીનો બેંગ્લોરમાં જીનેટીક રીપોર્ટ કરાવાયા બાદ આ ગંભીર બિમારીની જાણ થઇ.

ડોકટરોના જણાવ્યા અનુસાર આ બિમારીના લક્ષણો ૬ થી ૧૮ મહિના સુધીમાં દેખાવા ચાલુ થઇ જાય છે. જેમ-જેમ ઉંમર વધતી જાય તેમ-તેમ બિમારીની તિવ્રતા વધતી જાય છે. આ બિમારી માટે રેડીસ્પેન નામની દવાને કારગત ગણાવવામાં આવે છે. જેનો ખર્ચ પ કરોડ જેટલો થતો હોવાનો તબીબી જગતનું કહેવું છે. અમદાવાદના ડોકટર નીતીશ વોરાની દેખરેખ હેઠળ આ બાળકનો ઇલાજ ચાલી રહયો છે. મુંબઇના એક એનજીઓના કથન મુજબ દેશમાં આ બિમારીથી લગભગ ૮૦૦ બાળકો પીડીતછે. ગુજરાતમાં ૩૩ બાળકો આ બીમારીનો શિકાર છે. અત્યંત સામાન્ય આર્થીક સ્થિતિના આ પરીવાર માટે પોતાના બાળકને નજર સામે મરતો જોવાની કપરી વેળા આવી છે. હવે સૌની આંખો સરકાર અને સમાજ ઉપર  સ્થિર થઇ છે. હજી સુધી નક્ષના માતા-પિતા માટે આશાનુ કિરણ દેખાયું નથી.

(3:54 pm IST)