Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગુજરાતમાં ત્રણ વર્ષ દરમ્‍યાન નમક ઉત્‍પાદનમાં ઘટાડોઃ દેશનું ૮૦ ટકા નમક ઉત્‍પાદન ગુજરાતમાં

ચોમાસાની બદલાયેલી ચાલથી નમક ઉત્‍પાદનને અસર

અમદાવાદ, તા. ૧૩ :. ચોમાસાની બદલાયેલી ચાલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં નમક ઉત્‍પાદનને બહુ ખરાબ અસર કરી છે. દેશનું ૮૦ ટકા નમક ઉત્‍પાદન ગુજરાતમાં થાય છે. વરસાદ હવે ઓકટોબર મહિના સુધી ચાલુ રહેવાથી ત્રણ વર્ષથી સતત નમકના ઉત્‍પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. વરસાદ ઓકટોબર સુધી ચાલુ રહેવાથી નમક ઉત્‍પાદનની ઓકટોબરમાં શરૂ થતી સીઝન ડીસેમ્‍બરના અંતમાં શરૂ થઈ શકે છે. આ બે-ત્રણ મહિનાનું મોડું નમક ઉત્‍પાદકોને ભારે પડી રહ્યું છે.
ગુજરાતમાં નમકની સીઝન નવરાત્રી આસપાસ શરૂ થાય છે અને મે મહિના સુધી ચાલે છે, પણ નમકના અગરોમાં હજુ પણ પાણી ભરેલા હોવાથી આ વર્ષે સીઝન ડીસેમ્‍બરના અંતમાં શરૂ થઈ શકશે. આવું સતત ત્રણ વર્ષથી થઈ રહ્યુ છે. આગામી ત્રણ વર્ષમાં નમક ઉત્‍પાદનમાં ૪૦ ટકા ઘટાડો થવાનું અનુમાન છે.
આ વર્ષે તોકતે વાવાઝોડાના લીધે નમક સીઝન મે પહેલા જ સમાપ્‍ત થઈ ગઈ. તો ઓકટોબર સુધી વરસાદ રહેવાથી ડીસેમ્‍બર પછી જ કામ શરૂ થઈ શકશે.
દેશમાં ૩ કરોડ ટન નમક ઉત્‍પાદન

ભારતમાં દર વર્ષે સરેરાશ ૩ કરોડ ટન નમકનું ઉત્‍પાદન થાય છે. ૩ કરોડમાંથી ૮૦ લાખ ટન નમક ખાદ્ય પદાર્થોમાં અને ૧.૨૦ કરોડ ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે. લગભગ એક કરોડ ટન નમકની નિકાસ થાય છે. તેમાથી ૫૦ થી ૬૦ લાખ ટન નમક જાપાન, ભૂટાન, વિયેતનામ, કતાર, નેપાલ, ઈન્‍ડોનેશીયા, બાંગ્‍લાદેશ, થાઈલેન્‍ડમાં નિકાસ થાય છે.
દેશનું લગભગ ૮૦ ટકા નમક ઉત્‍પાદન ગુજરાતમાં થાય છે. રાજ્‍યમાં લગભગ ૪૫૦૦ એકર વિસ્‍તારમાં નમક ઉત્‍પાદન થાય છે. ગુજરાત સિવાય રાજસ્‍થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં પણ તેનું ઉત્‍પાદન થાય છે.

(10:45 am IST)