Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

દિવાળીમાં ગરીબ પરિવારોને એક લિટર કપાસિયા તેલ ૯૩ રૂપિયાના ભાવે મળશે

રાજય સરકાર તહેવારો માટે ૭૧ લાખ પાઉચ ખરીદશે, કપાસિયાના કિલોના પાઉચનો પડતર ભાવ ૧૬૨.૭૨ રૂપિયા, સરકાર ૭૦ રૂપિયા સબસીડી આપશે

અમદાવાદ,તા.૧૩: ગુજરાતમાં નવરાત્રી પછી આવી રહેલા દિવાળીના તહેવારો નિમિત્ત્।ે મધ્યમવર્ગિય પરિવારોને એક કિલો સિંગતેલ કે કપાસિયા તેલ ખાવુ હશે તો ૧૬૫ થી ૧૭૫ રૂપિયાનો ખર્ચ કરવો પડશે પરંતુ રાજયના ગરીબ પરિવારોને રાજય સરકાર ૯૩ રૂપિયે કિલોગ્રામ કપાસિયા તેલ ખવડાવશે.

રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જાહેર કરેલા એક આદેશ પ્રમાણે રાજયના અંત્યોદય, બીપીએલ અને એનએફએસએ હેઠળના અગ્રતાક્રમ ધરાવતા પરિવારોને દિવાળીના તહેવારમાં કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવનાર છે. પ્રત્યેક પરિવારને એક લીટર કપાસિયા તેલના પાઉચ વહેલા તે પહેલાના ધારણે આપવામાં આવશે.

વિભાગે એવી સૂચના આપી છે કે રિફાઇન્ડ કપાસિયા તેલના એક લીટરના પાઉચનો જથ્થો અખાદ્ય ન થઇ જાય અને લાભાર્થીઓને સમયસર વિતરણ થાય તે માટે નિગમના ગોડાઉનમાં તેમજ વ્યાજબી ભાવના દુકાનદારો પાસે બચત જથ્થો શૂન્ય થાય ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે લાભાર્થી કાર્ડધારકોને વિતરણ કરવાનો રહેશે.

એક લીટર કપાસિયા તેલ સરકારને ૧૬૨.૭૨ રૂપિયામાં પડશે જેનો વિતરણ ભાવ ૯૩ રૂપિયા રાખવામાં આવ્યો છે જયારે એક લીટર દીઠ સરકાર ૭૦ રૂપિયા સબસીડી આપશે. રાજય સરકારના આ વિભાગે ગરીબોને વહેંચવા માટેના કપાસિયા તેલના ૭૧ લાખ જેટલા પાઉચ ખરીદવાનું નક્કી કર્યું છે જેની પાછળ કુલ ૪૯.૭૦ કરોડ રૂપિયાનો સબસીડી ખર્ચ થશે.

ગરીબ પરિવારોને કપાસિયા તેલ નવેમ્બર મહિનામાં મળશે. આ મહિનામાં રિફાઇન્ડ કપાસિયા તેલના સમયસર વિતરણની કામગીરી અન્ન અને નાગરિક પુરવઠા નિયામકે જોવાની રહેશે. સરકારે જે સબસીડી જાહેર કરી છે તે માત્ર કપાસિયા તેલ માટે ખરીદાયેલા પાઉચ પર જ મળશે.

જયાં સુધી વ્યાજબી ભાવની દુકાનોએ સમગ્ર જથ્થો વિતરણ ન થાય ત્યાં સુધી પીડીએસ સિસ્ટમમાં જરૂરી વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. સરકારે જન્માષ્ટમી માટે ખરીદેલા જથ્થા પૈકી બચત રહેલા જથ્થાને બાદ કરતાં જરૂરિયાત પ્રમાણે રિફાઇન્ડ કપાસિયા તેલના પાઉચના જથ્થાની ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

(9:55 am IST)