Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

કાંડ કરીને આવ્યો, ખતમ કરી દઇશ, પોલીસનો કોઇ ડર નથી

ઘાટલોડિયામાં ફેરિયાઓની ધમકીથી વિવાદ : દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર ન્યુસન્સ વધ્યું : અહેવાલ

અમદાવાદ, તા.૧૩ : એકબાજુ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા ઉપાડે સ્વચ્છતા અભિયાન અને શૌચ મુકત ભારતની મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે ત્યારે ખુદ વડાપ્રધાનના આ ગૌરવપૂર્ણ અભિયાનને શરમાવે તેવી ઘટનાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં સામે આવી રહી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એઇસી ચાર રસ્તાથી દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર લકઝરી બસ, ફેરિયાઓ, ઓલા-ઉબેર અને રીક્ષાઓનું રેસીડેન્સીયલ વિસ્તારમાં આડેધડ પાર્કિંગ, જાહેરમાં શૌચ-પેશાબનું ન્યુસન્સ વધી રહ્યું છે, તેમછતાં પોલીસ અને તંત્ર નપાણિયું સાબિત થઇ રહ્યું છે. આજે દિવ્યપથ હાઇસ્કૂલ પાસેના રહેણાંક વિસ્તારમાં જાહેરમાં લોકોના ઘરો આગળ શુઝ લઇને પાથરણું પાથરી રહેલાં એક ફરિયાએ સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કરી ગંભીર ધમકી આપતાં સમગ્ર મામલે બહુ મોટો વિવાદ સર્જાયો હતો. લઘુમતી કોમના એક ફેરિયાએ સ્થાનિક લોકોને એટલી હદ સુધી ધમકી આપી હતી કે, તેને પોલીસ કે કોર્ટનો પણ ડર નથી, હું અનેક કાંડ કરીને આવ્યો છું.

          તમને ખબર નથી મેં કેવા ગુનાઓ આચર્યા છે, તમને ખતમ કરી દઇશ. ફેરિયાની આ ધમકીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, છેલ્લા ઘણા સમયથી ચાલતાં આવા ન્યુસન્સ અને શરમજનક ઘટનાઓ સામે પોલીસ અને અમ્યુકો તંત્ર નપાણિયું સાબિત થયુ છે. આજની આ સમગ્ર ઘટના એટલા માટે ગંભીર હતી કે, લઘુમતી કોમના એક ફેરિયાએ હિન્દુ વિસ્તારમાં આવી સ્થાનિક નાગરિકને જાનથી મારી નાંખવા સહિતની ગંભીર ધમકી આપી વાતાવરણ ડહોળવાનો હીન પ્રયાસ કર્યો હતો. એઇસી ચાર રસ્તાથી દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર વિવેકાનંદ ચોક, મેમનગર સુધી રહેણાંક મકાનોની આસપાસ લકઝરી બસો, ઓલા-ઉબેર અને રીક્ષાઓના ગેરકાયદે અને આડેધડ પાર્કિંગ, જાહેરમાં શૌચ-પેશાબ સહિતનું ન્યુસન્સ છેલ્લા ઘણા સમયથી માથાના દુઃખાવા સમાન બન્યું હોવાછતાં ઘાટલોડિયા પોલીસ કે અમ્યુકો તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટની ટીમો પણ જાણે શોભાના ગાંઠિયા સમાન હોય તે રીતે આ રોડ પર ફરકતી જ નથી કે ડ્રાઇવ પણ ચલાવી શકતી નથી. એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન અને શૌચ મુકત ભારતનું ગૌરવપૂર્ણ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે તેમના આ અભિયાનને શરમાવે તેવી આ ન્યુસન્સવાળી ઘટનાઓને લઇ હવે ભારે વિવાદ જાગ્યો છે.

                 કારણ કે, લકઝરી બસ, ઓલા-ઉબેર કે રીક્ષાના ડ્રાઇવરો જ જાહેરમાં શૌચ અને પેશાબ કરી ગંભીર ન્યુસન્સ ફેલાવી રહ્યા છે, જે તંત્ર પર ફિટકાર વરસાવતાં કૃત્ય સમાન કહી શકાય. ખરેખર તો, આ સમગ્ર રાજયના ડીજીપી શિવાનંદ ઝા કે જે તટસ્થ, પ્રમાણિક અને ન્યાયી ડીજીપી તરીકેની છાપ ધરાવે છે તેમણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ અને આજની ઉપરોકત બુટના એક સામાન્ય લઘુમતી કોમના ફેરિયા દ્વારા પોલીસ કે કોર્ટનો ડર નહી હોવાનુ ખુલ્લેઆમ કહી સ્થાનિક નાગરિકોને ધમકી આપવાના વિવાદમાં ઉંડી તપાસના આદેશો જારી કરી તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ સ્થાનિક લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. સાથે સાથે આ રોડ પર છેલ્લા ઘણા સમયથી ઉપરોકત ન્યુસન્સ ચાલુ હોવાછતાં કોઇ જ પગલાં કે કાર્યવાહી નહી કરવા બદલ ઘાટલોડિયા પોલીસના જવાબદાર અધિકારીઓ સામે પણ સબક સમાન કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ માંગ ઉઠવા પામી હતી. બીજીબાજુ, મ્યુનિસિપલ કમિશનરે પણ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ આ વિસ્તારના બેજવાબદાર અને નિષ્ક્રિય અધિકારીઓ વિરૂધ્ધ  શિક્ષાત્મક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઇએ તેવી પણ લોકોએ માંગ કરી હતી.

 

(9:52 pm IST)