Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

સરદારનગર : દારૂના અડ્ડાઓ ઉપર પોલીસની હાલમાં તવાઇ

પોલીસ અને મહિલા બુટલેગરો વચ્ચે ઘર્ષણ : મહિલા બુટલેગરોએ પોલીસને અપશબ્દો બોલી વિખવાદ કર્યો : મહિલા પોલીસની મદદથી ૩ બુટલેગરોની ધરપકડ

અમદાવાદ, તા.૧૩ : સરદારનગરમાં દારૂના અડ્ડાઓ પર પોલીસે આજે અચાનક દરોડા પાડયા ત્યારે સ્થાનિક મહિલા બુટલેગરો અને લોકોએ પોલીસ સાથે જોરદાર ઘર્ષણ ઉભુ કર્યું હતુ. મહિલા બુટલેગરોએ પોલીસને અપશબ્દો અને બિભત્સ ગાળો પણ આપી હતી પરંતુ પોલીસે મહિલા પોલીસ કર્મચારીઓની મદદથી મહિલા બુટલેગરોને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને સબક સમાન કાર્યવાહી કરી હતી. તો, કૃષ્ણનગર વિસ્તારમા પણ બુટલેગરોએ મકાનમાં રૂમની દિવાલમાં ચોરખાનુ બનાવી તેમાં દારૂ છૂપાવ્યા હોવાનો દરોડા દરમ્યાન પર્દાફાશ થયો હતો. પોલીસે દરોડા દરમ્યાન દેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. રાજ્ય પોલીસવડાની સૂચનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂઓના અડ્ડા પર ડ્રાઇવ થઈ રહી છે.

             આજે સરદારનગર પોલીસે છારાનગરમાં ૮૦થી વધુ પોલીસ કર્મચારીઓની છ જુદી જુદી ટીમો મારફતે દારૂને લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ચેકીંગ દરમિયાન પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસની કામગીરીને રોકવાનો કેટલીક સ્થાનિક મહિલા બુટલેગરોએ પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે મહિલા બુટલેગરોએ સ્થાનિક મહિલાઓનો આશરો લઇ પોલીસ પર ગાળાગાળી કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે સખત વલણ અપનાવી મહિલા પોલીસ કર્મચારીઓની મદદથી ઘર્ષણ કરનારી અને પોલીસની કામગીરીમાં રૂકાવટ પેદા કરનારી ત્રણ મહિલાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. સરદારનગરમાં આજે પોલીસની ડ્રાઇવ દરમ્યાન ઘર્ષણના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

             ખાસ કરીને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સમગ્ર ડ્રાઇવ દરમ્યાન પોલીસે દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો અને તેનો નાશ કર્યો હતો. કેટલાક ઘરોમાં ભૂગર્ભ ટાંકા બનાવી છૂપી રીતે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની વાત સામે આવી હતી. ડીજીના હુકમ બાદ સરદારનગરમાં પોલીસે આજે મેગા પ્રોહિબિશનની ડ્રાઇવ ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે, સરદારનગર, છારાનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વારંવાર દોરડા પાડવામાં આવે છે. પરંતુ પોલીસના ગયા પછી ફરીવાર સરદારનગરમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે તેને લઇને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

(9:48 pm IST)