Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

વડોદરામાં એપાર્ટમેન્ટમાંથી પડતું મુકી આપઘાત કરનાર સુપ્રિમ કોર્ટના વકીલ પ્રકરણમાં અમદાવાદની મિલ્કતનો કૌટુંબિક વિવાદનો મામલો સામે આવ્યોઃ સગા ભાઇ-ભાભી, ભત્રીજા વહુ સામે ગુન્હો નોંધાયો

     વડોદરા : ફતેગંજના આત્રેય  એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારી સુપ્રીમ કોર્ટના વકીલે ૩ ઓકટોબરે કરેલા આપઘાતના બનાવમાં અમદાવાદના પરીમલ ગાર્ડન પાસેની રૂ.૧પ કરોડની  વેચાયેલી વડીલોપાર્જીત મિલ્કતનો ઝઘડો જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. વકીલને આપઘાત કરવા માટે મજબુર કરનાર હાઇકોર્ટના વકીલ એવા અમદાવાદના રહેવાસી તેમના સગા ભાઇ સહિત ભાભી, ભત્રીજા અને  વહુ વિરૃદ્ધ ઘટનાના ૯ દિવસ બાદ ઇપીકો કલમ ૩૦૬, ૪૦૬ અને ૧ર૦(બી) હેઠળ ફરીયાદ નોંધાઇ છે.

     રેસકોર્ષ રોડ પર એટલાન્ટિક-૩ મા રહેતા શૈલજાબેન મેઢ, (ઉ.વ.પ૩) છેલ્લા ૧૦ વર્ષથી નવરચના સ્કૂલમા શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમણે ફતેગંજ પોલીસ મથકે જેઠ આનંદ પરાશરભાઇ મેઢ, જેઠાણી  નિસર્ગી આનંદભાઇ મેઢ, ભત્રીજા પાર્થ સારથી મેઢ અને ભત્રીજા  વહુ હિતેષી મેઢ સામે ફરીયાદ નોંધાવી હતી કે મારા પતિ અભીજીત (ઉ.વ.૬૧) સુપ્રીમ કોર્ટમા વકીલાત કરતા હોવાથી દિલ્લી રહેતા  સસરાની માલીકીનું મકાન અમદાવાદની શાંતિસદન સોસાયટીમાં હતુ. સસરાનું અવસાન થયા બાદ ર૦૧પ-૧૬ માં જેઠ આનંદ મેઢએ મારા પતિને ફોન કરી કહ્યું કે મકાન બિલ્ડરે રૂ. ૧પ કરોડમાં ખરીદવાનું નકકી કર્યુ છે. જે રકમ આવશે તે આપણે સરખા ભાગે વહેેંચી લઇશુ. જેથી મારા પતિ સહમત થતા રૂ. ૧પ કરોડમા મકાનનો સોદો કર્યો હતો.  અને તકરાર થતા મારા પતિએ અમદાવાદ સિવિલ સિટી કોર્ટમાં કેસ કર્યો હતો તે પછી ભત્રીજાએ ઇન્કમટેક્ષ ઓછો ભરવો પડે તે માટે ટેકસમાંથી પૈસાનુ રોકાણ કર્યુ છે, અમે અમદાવાદમા શીલજ વિસ્તારથી આગળ એક બંગલો પણ ખરીદ કર્યા છે. ભત્રીજાએ મારા પતિને બોલાવી રૂ. ૩.પ૦ કરોડના ચેક આપ્યા હતા. બાકીના રૂ. ૪ કરોડ પછી આપીશ તેમ કહ્યું હતુ. આ ચેક પતિએ તેમના મિત્ર સુરજને ડિપોઝીટ માટે આપી અમદાવાદથી ઘરે આવતા હતા ત્યારે ભત્રીજાએ તેમની વિરૃદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં બંદુક બતાવીને ચેકોની લૂંટ ચલાવી હોવાની ફરીયાદ નોધાવતા તેઓ વ્યથિત થઇ ગયા અને આપઘાત કરી લીધો હતો.

(1:03 pm IST)