Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે ગેનીબેનને પ્રચારમાં ઉતાર્યા : મત કોને આપવો ? ઠાકોર મતદારો મૂંઝવણમાં મુકાયા

ઠાકોર સમાજના મતનું વિભાજન થશે કે કેમ ? ભારે ઉતેજના

રાધનપુર વિધાનસભા પંથકમાં ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે એકતરફ અલ્પેશ ઠાકોર ભાજપને મત આપવા મતદારોને અપીલ કરી રહ્યા છે બીજીતરફ કોંગ્રેસને મત આપવા ગેનીબેન પ્રચારમાં ઉતર્યા છે. અલ્પેશ અને ગેનીબેન ઠાકોરનો સમાજના મતદારો ઉપર દબદબો છે. ત્યારે મત આપવો કોને આ બાબતે ઠાકોર સમાજના મતદારો મુંઝવણમાં મુકાયા છે

   પાટણ જીલ્લાની રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીમાં ઠાકોર મતદારો નિર્ણાયક ભુમિકમાં મનાય છે એક સમયે ભેગા સભા સંબોધતા ગેનીબેન અને અલ્પેશ ઠાકોર આજે એકબીજાની વિરોધી પાર્ટીમાં સભા ગજવી રહ્યા છે. અલ્પેશ ફરી એકવાર રાધનપુરમાં ઉમેદવાર બની ઠાકોર મતદારોને અપીલ કરી રહ્યા છે. તો  વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન પણ ઠાકોર મતદારોને અપીલ કરી રહ્યા છે.

   ઠાકોર સમાજ માટે અલ્પેશ અને ગેનીબેન મહત્વના અને સન્માનનીય નેતા હોવાથી મત આપવા મુંઝવણ ઉભી થઇ છે. પંથકના ઠાકોર મતદારોને અલ્પેશની પાર્ટી ભાજપને મત આપવો કે સમાજના મહિલા નેતા ગેનીબેનની પાર્ટી કોંગ્રેસને મત આપવો ? તેની ઉત્તેજના વધી છે.

   અલ્પેશ અને ગેનીબેન સામાજીક રીતે અપીલ કરે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના ઠાકોર મતદારો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાઇ જવાની સ્થિતિ બની છે. કોંગ્રેસે અલ્પેશના પ્રચાર સામે ગેનીબેનને સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતારતા ભાજપ માટે મહેનત વધી છે.

   રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઠાકોર મતદારો છે. આથી અલ્પેશ ઠાકોર સામે પોતાના ઉમેદવારને મજબૂત કરવા કોંગ્રેસે ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર સહિતના ઠાકોર ધારાસભ્યો અને આગેવાનોને રાધનપુરમાં ઉતારી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. આવી સ્થિતિમાં ઠાકોર મતદારો માટે કોની અપીલ સાંભળવી અને કોને મત આપવો તેને લઇ રાજકીય ગરમાવો વધી ગયો છે.

(8:52 pm IST)