Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

દરેક ઘરને ૨૪ કલાક વિજળીઃ ૧ થી ૩ વર્ષમાં પ્રીપેડ વિજળી મીટર

ટૂંક સમયમાં મોબાઈલ કનેકશનની જેમ બદલી શકાશે વિજળી કંપનીઃ ખાનગી કંપનીઓને અપાશે લાયસન્સઃ દેશભરમાં એક સમાન ભાવ રાખવા સૂચનઃ નવી ટેરિફ પોલીસી હાલ કેબિનેટ સમક્ષ

કેવડીયા (ગુજરાત), તા. ૧૨ :. દેશમાં લોકો મોબાઈલ કનેકશનની જેમ જ વિજળી પુરી પાડતી કંપનીને બદલી શકશે. ગ્રાહકો પાસે વિજળી ખરીદવા માટે ઘણી કંપનીઓના વિકલ્પ રહેશે. આના માટે કેન્દ્રએ રાજયોને દરેક વિસ્તારમાં ચારથી પાંચ કંપનીઓને વીજ વિતરણના લાયસન્સ આપવાનું કહ્યુ છે. સાથે જ રાજ્યોને એવું પણ કહ્યુ છે કે તેઓ એક વર્ષમાં ખેતીના ફીડરોને અલગ કરી દે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉર્જા પ્રધાનના બે દિવસીય સંમેલનમાં કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર.કે. સિંહે આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે હવે સરકારનું નવુ લક્ષ્ય દરેક ઘરમાં ૨૪ કલાક વિજળી પહોંચાડવાનું છે, તેના માટે નવી ટેરીફ નીતિ સરકાર લાવશે. સાથે જ જો કોઈ કારણ વગર પાવર કટ થશે તો વિજ વિતરણ કંપની (ડીસ્કોમ)ને દંડ લાગશે જેની વહેંચણી ગ્રાહકોમાં થશે. આ નીતિને મંજુરી માટે કેબીનેટમાં મોકલી દેવાય છે. તેમણે કહ્યુ કે ૨૪ કલાક વિજળી આપવા માટે ડીસ્કોમની ખોટ દૂર કરવી જરૂરી છે.

ઉર્જા પ્રધાને કહ્યુ કે ત્રણ વર્ષમાં દરેક ઘરમાં વિજળીના પ્રીપેડ મીટરો લગાવી દેવાશે. તેના માટે દરેક રાજ્યો સંમત છે. ઘણા રાજ્યો તો આ કામ એક વર્ષમાં પુરૂ કરવા માંગે છે. તેનાથી ગ્રાહકો અને ડીસ્કોમ બન્નેને ફાયદો થશે. ગરીબ ગ્રાહક ઈચ્છે તો ૨૦ રૂપિયાની વિજળી પણ રિચાર્જ કરાવી શકશે. જ્યારે ડીસ્કોમને પૈસા એડવાન્સમાં મળશે. તે ઉપરાંત તેને મીટર રીડર અને મીટર ડીસકનેકશન માટે જે સ્ટાફ રાખવો પડે છે તે નહીં રાખવો પડે.

સમગ્ર દેશમાં આગામી ત્રણ વર્ષમાં વીજળીના સ્માર્ટ પ્રિપેઇડ મીટર્સ લગાવવામાં આવશે.જે ગરીબ વીજ ગ્રાહકો માટે ઉપયોગી બનશે. બીજી તરફ વીજ વિતરણ કરતી કંપનીઓને પણ બીલના નાણાં ઉઘરાવવાના બદલે પહેલાં મળશે. રાજયોને ૨૪ ઠ૭ વીજ પૂરવઠો પૂરો પાડવા માટે ગુજરાત અને હરિયાણાના મોડલનો અમલ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે તેમ આજે કેન્દ્રિય ઊર્જા મંત્રી આર.કે.સિંહે જણાવ્યું હતું.

કેવડિયા ટેન્ટ સિટી ખાતે આજથી બે દિવસ માટે શરૂ થયેલી રાજયોના ઊર્જા અને પુનઃ પ્રાપ્ય ઊર્જા વિભાગના મંત્રીઓની બેઠકના ઉદઘાટન બાદ પત્રકાર પરિષદેને સંબોધતા આર.કે.સિંહે જણાવ્યું હતુંકે, છેલ્લા ૨ વર્ષમાં તેમના વિભાગે વિશ્વમાં અદ્વિતીય કામગીરી કરી બતાવી છે. છેલ્લા ૧૭-૧૮ માસમાં જ ૨.૬૬ કરોડ ઘરોને વીજળી પૂરી પાડી છે. છત્તીસગઢના ગાઢ જંગલોમાં નકસલી વિસ્તાર સિવાય સમગ્ર દેશમાં વીજળી પૂરી પાડી છે. ભારત હવે વીજ ક્ષેત્રે ખાધ ધરાવતા દેશમાંથી વીજ ક્ષેત્રે પુરાંત ધરાવતું દેશ બન્યો છે. લેહ – લડાખ અને કારગીલ ખાતે પણ વીજળી પૂરી પાડી છે.

જે એક દેશ એક ગ્રીડથી જોડાયેલો હોઇ એક લાખ મેગાવોટ વીજળી હવે એક ખૂણેથી બીજા ખૂણા સુધી લઇ જઇ શકાય છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ નવા હાઇડ્રો પ્રોજેકટ હાથ પર લેવાયા છે. વર્તમાન વીજ લાઇનના બદલે નવી લાઇનો નંખાશે. લોસ દ્યટાડવા માટે પગલાં લેવાયા છે. ટ્રાન્સમિશન ક્ષમતા પણ વધારવામાં આવશે. લેહ – લડાખને પણ ટ્રાન્સમિશન સાથે જોડયા છે.

ખેડૂતોને સોલરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે

કેન્દ્રિય ઊર્જા મંત્રીએ જણાવ્યું હતુંકે, દેશના ૧.૭૫ મિલિયન પંપને સોલર પંપ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઇત્થાન મહાભિયાન( પીએમ – કુસુમ) યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં ૨૫૭૫૦ મેગાવોટ સોલર વીજળીની ક્ષમતા કરાશે. જે માટે કેન્દ્રની સહાય રૂ.૩૪,૪૨૨ કરોડની રહેશે.કુસુમ યોજના હેઠળ દરેક કિસાનના પંપ સોલર પંપ બનાવાશે. ખેતીની પડતર જમીનમાં પણ સોલર પેનલ લગાવી વીજળી ઉત્પાદન કરાશે. જે માટે નવી પ્રોઝયુમર્સ કેટેગરી બનાવાઇ છે. કિસાન તેમની જમીનમાંથી નાણાં પણ કમાઇ શકશે.

૨૪*૭ વીજળી પૂરી પાડવા ગુજરાત સહિત ઘણાં રાજયોની સારી કામગીરી

૨૪*૭ વીજળી પૂરી પાડવા માટે ગુજરાત સહિત ઘણા રાજયોની કામગીરી સારી રહી છે. કૃષિક્ષેત્રે ૬ થી ૮ કલાક વીજળી આપવા માટે હવે કૃષિ ફીડરો અલગ પાડવામાં આવી રહ્યા છે. પેરિસ કલાયમેટ સંધી મુજબ કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા માટે પણ આજની કોન્ફરન્સમાં ચર્ચા થઇ હતી. અગાઉ ૨૦૨૨ સુધીમાં દેશમાં ૧૭૫ ગીગાવોટ પુનઃ પ્રાપ્ય ઊર્જાનો લક્ષ્યાંક હતો. હવે ૨૦૩૦ સુધીમાં આ લક્ષ્યાંક ૪૪૦ ગીગાવોટ કરાયો છે

દેશમાં એક ગ્રીડ અને એક સમાન વીજ દર રાખવા માટે ગ્રાહકોની માગણી

દેશમાં એક ગ્રીડ અને એક સમાન વીજળીના દર રાખવા માટે ગ્રાહકોની માગણી ઉઠી છે. આ સૂચન અંગે પણ અભ્યાસ થાય છે. જોકે વીજ ઉત્પાદન માટે જુદા જુદા સ્ત્રોતો જેવા કે થર્મલ, હાઇડ્રો,ગેસ, એટોમિક, સોલર વગેરે હોય છે. તેથી વીજ ઉત્પાદન ખર્ચ અલગ – અલગ આવે છે.

(10:19 am IST)