Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

15મીથી રાજ્યમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત : ફુલગુલાબી ઠંડીનો થશે અહેસાસ

એકાદ સપ્તાહથી રાત્રે શિયાળાની છડી પોકારતી ગુલાબી ઠંડીનું ધીમાપગલે આગમન

અમદાવાદ : હવામાન વિભાગ મુજબ રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય શરૂ થઇ છે કચ્છથી મંદીને અમદાવાદ સુધીના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદ રહેશે. મધ્ય ગુજરાત માટે હજુ કોઈ જાહેરાત નથી. આ વર્ષે વરસાદનું સારું એવું પ્રમાણ રહેવા છતાં પણ અસહ્ય ઉકળાટ અને ગરમી ભોગવવી પડી હતી પરંતુ છેલ્લા એકાદ સપ્તાહથી રાત્રે શિયાળાની છડી પોકારતી ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે.

   આગામી 15મી ઓક્ટોબરથી રાજ્યમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત થઇ જશે. તેવું હવામાન વિભાગે જાહેરાત કરી છે. રાતરાણીના પુષ્પોની સુગંધ સાથેની ઠંડી સારી લાગે છે. ગુજરાતમાં ઈ.સ.1961 બાદ આ વર્ષે 58 વર્ષમાં સૌથી લાંબા સમયગાળાનું ચોમાસું રહ્યું હતું. રાજ્યમાં 45.60 ઈંચ સાથે 142 ટકા વરસાદ વરસ્યો છે. દિવાળી આસપાસના સમયમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થાય તેવો શિરસ્તો કુદરતે જાળવી રાખ્યો છે.

હાલમાં રાત્રિનું તાપમાન ક્રમશઃ નીચું જઈ રહ્યું છે. અમદાવાદમાં જો કે દિવસે 35 થી 36 ડિગ્રી ગરમી પડે છે. રાત્રે 22 ડિગ્રીના કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડીસા અને ગાંધીનગરમાં તો લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી નીચું ઉતરી ગયું છે. હવામાન ખાતાના અધિકારી જયંત સરકારે કહ્યું કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ સુધી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ ચોમાસાએ વિદાય લીધી નથી.

(8:16 pm IST)