Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

હીરા ઉદ્યોગમાં ર૦ ઓકટોબરથી દિવાળી વેકેશન

રપ દિવસ સુધી હીરાની ઘંટીઓ શાંત થઇ જશે

અમદાવાદ, તા. ૧ર : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે હીરા ઉદ્યોગમાં આખરના દિવસોમાં ધમધમાટ ખૂબ જ વધી ગયો છે. દિવાળીની રજાઓ શરૂ થાય તે પહેલા રફ ડાયમંડનો સ્ટોક પૂરો કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે. અત્યારે બજારમાં સ્ટાર, માઇનસર, પાતળી સાઇઝના ડાયમંડની મોટા પ્રમાણમાં માંગ જોવા મળી રહી છે. આ વખતે દિવાળી વેકેશન પચ્ચીસેક દિવસનું રહેવાની ગણતરી છે. જેથી આગામી તા. ર૦મીથી મોટાભાગના એકમો કામકાજ બંધ કરવાનું શરૂ કરી દેશે. હીરા ઉદ્યોગ માટે ડાયમંડ એસોસીએશનના સુરતના પ્રમુખ બાબુભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે, વેકેશન એક સાથે કયારેય શરૂ થતું નથી. દરેક એકમો  પોત પોતાની રીતે વહેલુ-મોડું વેકેશન શરૂ કરતા હોય છે, પરંતુ દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થતી હોવાથી વતન ગયેલા કારીગરો ઓછામાં ઓછા ર૦ થી રપ દિવસ તો વેકેશન ભોગવશે જ. જયારે સુરતમાં હીરાના કારખાનાઓ અઢાર-વીસમીથી બંધ થવાનું શરૂ થશે તે સાથે કારીગર વર્ગ વેકેશનની ઉજવણી માટે વતન જશે.

અત્યારે આખરના દિવસોમાં પોલિશ્ડનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમની પાસે રફનો સ્ટોક પડયો છે, તેઓ ગમે તે રીતે સ્ટોકનો જથ્થો પૂરો કરવા ઉપર ધ્યાન આપી રહ્યા છે. એટલે જેમ સ્ટોક પૂરો થતો જશે તેમ તેમ કારખાનાઓ વહેલા-મોડા બંધ થવાનું શરૂ થશે.

એક સમયે સૌથી વધુ લોકોને રોજગારી આપનારો અમદાવાદ સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાં ભાર આવવા લાગ્યો છે. સરકાર દ્વારા ડાયમંડ ઉદ્યોગના જોબવર્કમાં જીએસટીમાં ઘટાડો કરવા છતાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો હતો, પરંતુ વિદેશમાં ક્રિસમસ ફેસ્ટિવલના કારણે ડિમાન્ડ નીકળતા મંદીમાં સપડાયેલા ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાયા છે. અમદાવાદ એસોસીએશનના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ર૪ ઓકટોબરથી હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન પડવાનું છે. દર વર્ષે દિવાળી વેકેશન એક મહિનાનું હોય છે. ગુજરાત સરકારે હીરા વિકાસ બોર્ડ બનાવવાની જરૂર છે.

(8:18 pm IST)