Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ખેડબ્રહ્માના ધારાસભ્યના પુત્રની જમીનની ખરીદી વિવાદના ચકડોળે : વેચાણ દસ્તાવેજ બનાવટી હોવાનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ

પાટડીયા ગામના ખેડુતે અગાઉ ભાડા પટ્ટે આપેલી જમીન વેચી હોવાનું દસ્તાવેજને આધારે સામે આવ્યુ

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્રની જમીન ખરીદી વિવાદમાં પડી છે ધારાસભ્યના પુત્રએ  ગત મે મહિનામાં ખેતીલાયક જમીન માટેનો વેચાણ દસ્તાવેજ લીધો હતો. જેમાં પાટડીયા ગામના ખેડુતે અગાઉ ભાડા પટ્ટે આપેલી જમીન વેચી હોવાનું દસ્તાવેજને આધારે સામે આવ્યુ છે.જોકે વેચાણ દસ્તાવેજના ચાર મહિના બાદ બંને વચ્ચે કોઇ કારણોસર કંઇક બન્યુ હોવાનું મનાય છે. જમીન ધારક ખેડુતે સમગ્ર મામલે વેચાણ દસ્તાવેજ બનાવટી હોવાની રજૂઆત કરી હોવાનો પત્ર સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલે પત્ર બનાવટી હોવાનું જણાવી ગામમાં સભા બોલાવી છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પાટડીયા ગામની સરવે નંબર 140 વાળી ખેતીલાયક જમીન હાલની સ્થિતિએ પરમાર હદાભાઇ ગુજરાભાઇના નામે છે. જોકે ગત મે 2019માં ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલે આ જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હોવાનું સામે આવ્યુ છે.

અગાઉ આ જમીન ભાડાપટ્ટે હોવાનો કરારલેખ વાયરલ થયો છે. આ સાથે જમીન સોદાના ચાર મહિનાને અંતે વેચાણ દસ્તાવેજ બનાવટી હોવાની કલેક્ટરને રજૂઆત કરતો પત્ર વાયરલ થયો છે.

સમગ્ર મામલે ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યુ હતુ કે, રજૂઆતનો પત્ર ખોટો છે. પરમાર હદાભાઇનો સંપર્ક કરતા તેઓ બહારગામ હોઇ આજે પાટડીયા ગામમાં આવી રહ્યા છે. આથી ગામમાં સભા બોલાવી પત્રની ખરાઇ કરવા સ્થાનિક વ્યક્તિને જણાવ્યુ છે. અવારનવાર કેટલાક તત્વો આ પ્રકારે ગતિવિધિ કરી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કામ કરે છે. જોકે આ દરમ્યાન ધારાસભ્યને છેલ્લા કેટલાક મહિનાઓમાં દસ્તાવેજ કર્યો છે કે કેમ તે પુછતાં મનાઇ કરી હતી. હકીકતે ગત મે મહિનામાં પુત્ર યશ કોટવાલે જ ખેતીલાયક જમીન ખરીદી છે

ધારાસભ્યના પુત્ર યશ કોટવાલે પાટડીયાની જમીન ખરીદી હોવા બાબતે નોટરી કરનાર વકીલ કે.એમ.પટેલે જણાવ્યુ હતુ કે વાત સાચી છે. ગત મે મહિનામાં વેચાણ દસ્તાવેજ કરવા ખેડુતના પરિવારજનો આવ્યા હતા. હવે જે કોઇ વિવાદ ઉભો થયો છે તે બાબતે રજૂઆત બનાવટી હોઇ શકે છે.

(9:08 pm IST)