Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

નવરાત્રિ : ફળો અને ફુલના ભાવોમાં નોંધપાત્ર ઉછાળો

ભાવ વધારાથી ઘરના બજેટ બગડી ગયાઃ ફુલબજાર અને ફ્રુટમાર્કેટમાં વેપારીઓને તેજી અને તડાકો હજુ આઠમ અને દશેરાએ ભાવો વધુ ઉચકાવાની શકયતા

અમદાવાદ,તા.૧૩: નવરાત્રીનું પર્વ શરૂ થતાંની સાથે જ નગરજનોની માંગ વધતાં ફળ અને ફૂલના ભાવમાં નોંધપાત્ર ઉછાળા સાથે વધારો થયો છે. ભક્તિભાવ અને શ્રદ્ધાની આડે મોંઘવારીને નહીં ગણકારતા ભક્તજનો મજબૂરીના માર્યા મોંઘા ભાવે ફળ-ફુલ ખરીદી કરી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે જ નાસિકના દાડમ શહેરમાં રૂ. ૬૦ના પ્રતિકિલો વેચાણ રહ્યા હતા તે હવે ૧૦૦ થી ૧ર૦ના પ્રતિકિલો મળતા થઈ ગયા છે. આ ભાવવધારાને લઇ ફુલ બજાર અને ફ્રુટમાર્કેટમાં હાલ વેપારીઓને તેજી અને તડાકો પડી ગયો છે. હજુ આઠમ અને દશેરાએ ભાવો વધુ ઉંચકાવાની શકયતા છે.  ફૂલના ભાવમાં ફૂલગુલાબી તેજી છે. ગુલાબની સુગંધ પણ મોંઘી બની છે. ગણેશ ઉત્સવ દરમિયાન ફૂલના ભાવમાં વધારો નોંધાયો હતો ત્યાર પછી બજાર થોડા દિવસ સામાન્ય રહ્યું હતું. ફરી નવરાત્રીનું પર્વ શરૂ થતાં ફૂલની મહેક મોંઘી થઈ છે. ફૂલના ભાવ હજુ આઠમ અને દશેરાએ વધુ વધશે. ફુલબજારના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, ગરમીના કારણે ફૂલના બગાડનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે. સાથેસાથે માગ પણ વધતી રહે છે, જેના કારણે ફૂલના ભાવ વધતા હોય છે.

અમદાવાદમાં રોજના અંદાજે પાંચ હજાર કિલો ગુલાબના ફૂલનું વેચાણ થાય છે. તેની સામે અન્ય ફૂલ પર નજર નાખીએ તો ૧ હજાર કિલો મોગરા, ર૦ હજાર કિલો ગલગોટાના કૂલનું વેચાણ થાય છે. હાલમાં હજારીગલ રૂ ૩૦ પ્રતિ કિલો ૬૦ થી ૭૦ પ્રતિ કિલો છે. ટગર, પારસ ગુલાબ નગ અને હારદીઠ રૂ. પ૦ થી શરૂ કરીને ૧પ૦ સુધી વેચાણ થઈ રહ્યું છે.

(9:52 pm IST)